મોરબી : ખેડૂતોના હક માટે ચાલી રહેલી જેતપર ખેડૂત ઉપવાસ છાવણીના સમર્થનમાં હવે શહેરના CNG રીક્ષા ચાલકો પણ ‘મેદાને’ ઉતર્યા છે. CNG રીક્ષા એસોસિએશન દ્વારા આગામી તા. 5/7/2026 ના રોજ સવારે 10:00 કલાકે 500 થી વધુ રીક્ષાઓના વિશાળ કાફલા સાથે જેતપર ખાતે ખેડૂતોને ‘અમે પણ આપની સાથે’ નો નાદ ગુંજાવવા જવાની જાહેરાત કરવામાં આવી છે.
રીક્ષા ચાલકો દ્વારા આપવામાં આવેલા આ ખુલ્લા સમર્થનથી જેતપર ખેડૂત ઉપવાસ છાવણીનો જુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. ખેડૂત અગ્રણીઓએ આ નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે, ખેડૂત અને મજૂર-વેપારી એકતા દેશ અને દુનિયા માટે એક મોટો સંદેશ પૂરું પાડશે. 500 રીક્ષાઓનો આ લાંબો કાફલો ખેડૂત એક્તાનો અદભૂત નજારો રજૂ કરશે, અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.











