મોરબી: મોરબી મહાનગરપાલિકાનો મોટો છબરડો સામે આવ્યો છે. મોરબીના સુપર ટોકીઝથી રેલવે સ્ટેશન રોડ સુધી અડધો રોડ બનાવી નાખ્યા બાદ તંત્રને ભૂગર્ભ લાઈન યાદ આવતા રોડને ફરી ખોદી નાખવામાં આવ્યો છે. આમ રોડના કામો આયોજનનો અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહાનગરપાલિકા દ્વારા સુપર ટોકીઝથી રેલવે સ્ટેશન બાજુનો રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ હતી અને રસ્તા પર સિમેન્ટનું લેયર (થર) પણ પાથરી દેવામાં આવ્યું હતું. રસ્તાનું 50% કામ પૂરું થઈ ગયા બાદ અચાનક તંત્રને યાદ આવ્યું કે આ રોડની નીચે ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવાનું તો બાકી જ રહી ગયું છે.
સામાન્ય રીતે કોઈપણ રોડ બનાવતા પહેલા, સિમેન્ટનો થર નાખતા પૂર્વે જ ભૂગર્ભ કે અન્ય કનેક્શન આપવાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. પરંતુ અહીં સિમેન્ટનો થર લાગી ગયા બાદ હવે ભૂગર્ભ કનેક્શન આપવા માટે નવો બનાવેલો રોડ પાછો તોડવામાં આવી રહ્યો છે. તૈયાર થઈ ગયેલા રોડ પર ફરીથી ખોદકામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના આવા આયોજન વગરના કામને કારણે પ્રજાના પૈસા અને સમય બંનેનો સીધો વેડફાટ થઈ રહ્યો છે.










