ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર અગાઉ એક બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી (ઇંગ્લીશ) દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં છેલ્લા 3 માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે પકડી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અને નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ અને ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની સૂચના મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાણા તેમના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓએ અગાઉ નોંધાયેલા ઇંગ્લીશ દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો. અગાઉ આ ગુનામાં અલગ અલગ કુલ 12 આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા. જ્યારે આ ગુનામાં નાસતા ફરતા આરોપી રતાભાઈ ખોડાભાઈ રાતડીયા (જાતે ભરવાડ, ઉ.વ. 34, ધંધો-વેપાર) ને પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપી હાલ રાજકોટમાં રામાપીર ચોકડી, રૈયાધાર સ્લમ ક્વાર્ટર નંબર-871 ખાતે રહે છે અને તેનું મૂળ ગામ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનું સામપર (માધાપર) છે. ટંકારા પોલીસે મજકુર ઇસમની અટક કરી રિમાન્ડ મેળવવા માટે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.










