મોરબી જિલ્લા પોલીસમાં શિસ્ત અને જવાબદારી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે કડક કાર્યવાહી કરી છે. 6 મહિના પૂર્વે સરકારી વાહન ચલાવતી વખતે દારૂના નશામાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી અજય લાવડીયાને ગઈ કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ હવે પોઝિટિવ આવતા વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના આધારે એસપી મુકેશ પટેલે પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનું પાલન કરાવતી પોલીસમાં પણ કોઈ કર્મચારી કાયદા કે શિસ્તનો ભંગ કરશે તો તેની સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પોલીસ વિભાગની વિશ્વસનીયતા અખંડિત રહે તે માટે લેવાયેલો આ નિર્ણય અન્ય કર્મચારીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.










