મોરબી: પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વિદ્યાર્થીઓમાં વિકસે તેવા ઉદ્દેશ સાથે શ્રી માટેલ તાલુકા શાળામાં આચાર્ય કિશોરભાઈ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. L&T કંપનીના સહયોગથી શાળા પરિસરમાં આશરે ૧૨૭ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શાળા દ્વારા માત્ર શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય તે માટે દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળામાં નિયમિત રીતે ચકલી ઘરોનું વિતરણ, પક્ષીઓ માટે પાણીના કુંડાં અને પાણી ઘરની વ્યવસ્થા, ચણ માટે ચબૂતરાની વ્યવસ્થા તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિપ્રેમ, જીવદયા અને પર્યાવરણ જતન જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.










