મોરબીની આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી (PT)નો પ્રતિષ્ઠિત ‘PhysioTimes’ દ્વારા “100 International Physiotherapy Icons”માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક સન્માન મેળવી તેમણે સંસ્થા અને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.
ડૉ. રાહુલ છતલાણી છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ફિઝિયોથેરાપી શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ ક્ષેત્રે સક્રિય રીતે કાર્યરત છે. ફિઝિયોથેરાપી ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નેતૃત્વ, નવીનતા અને પુરાવા આધારિત પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાના તેમના સતત પ્રયાસોને પરિણામે આ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે. આ ઉપરાંત, તેમના 30થી વધુ સંશોધન લેખો વિશ્વપ્રસિદ્ધ SCOPUS અને Web of Science ઇન્ડેક્સ્ડ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે, જે તેમની ઉચ્ચ સંશોધનાત્મક ક્ષમતા દર્શાવે છે.
આ સિદ્ધિ માત્ર ડૉ. રાહુલ છતલાણીની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ મોરબીના ફિઝિયોથેરાપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ આપનારી મહત્વપૂર્ણ ક્ષણ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના સંચાલકો અને સ્ટાફ પરિવાર દ્વારા ડૉ. રાહુલ છતલાણીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.











