મોરબી ડેઈલી : ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં ‘બહેતર સિટી’ (Better City) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દરેક રાજ્યમાંથી 5-5 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોની સાથે મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપતા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરીએ જણાવ્યું હતું કે, આ અભિયાન મોરબી માટે ગૌરવની બાબત છે અને યુવક કોંગ્રેસ તેને 100% સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો કરશે.
વસીમ મન્સુરીએ અભિયાનના હેતુ અંગે જણાવ્યું હતું કે, શહેરમાં નાના રોજગાર-ધંધા સાથે સંકળાયેલા લોકો, સફાઈ કર્મીઓ, ગીગ વર્કર્સ, સિક્યોરિટી ગાર્ડ, લારી-ગલ્લા ધારકો અને રીક્ષા ચાલકો જેવા લોકો જે નોકરી કે ધંધો કરે છે તેમને વર્તમાન સમયમાં કોઈ પ્રકારની સામાજિક કે આર્થિક સુરક્ષા મળતી નથી. આ તમામ સામાન્ય અને અસંગઠિત વર્ગના લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા આ અભિયાન હાથ ધરાયું છે.
યુવક કોંગ્રેસની ટીમ દ્વારા મોરબી શહેરના તમામ 13 વોર્ડમાં રૂબરૂ જઈને આ વર્ગના લોકો સાથે સીધો સંવાદ સાધવામાં આવશે. તેમની સ્થાનિક અને વહીવટી સમસ્યાઓની નોંધ લઈ આવેદનપત્ર, અરજીઓ તેમજ જરૂર પડ્યે લડત આપીને તે પ્રશ્નોનું 100% નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું સત્તાવાર લોન્ચિંગ કરી દેવામાં આવ્યું છે અને આગામી 6 થી 8 મહિના સુધી મોરબીના તમામ વોર્ડમાં આ ઝુંબેશ સતત ચલાવવામાં આવશે. નાના શ્રમિકો અને કામદારોના હક અને અધિકારો માટે યુવક કોંગ્રેસ મેદાનમાં ઉતરીને અવાજ બુલંદ કરશે.











