Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરી:બી ડિવિઝનની PCR ટીમે સમયસૂચકતા વાપરી...

મોરબી પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરી:બી ડિવિઝનની PCR ટીમે સમયસૂચકતા વાપરી આપઘાત કરવા જતી મહિલાને બચાવી

મોરબી ડેઈલી : મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતી લગધીરગેટ ચોકીની પીસીઆર (PCR) ટીમે ભારે જહેમત અને સમયસૂચકતા વાપરીને આપઘાતનો પ્રયાસ કરી રહેલી એક મહિલાનો જીવ બચાવ્યો છે. પતિ સાથેના ઝઘડામાં ગળેફાંસો ખાવા જઈ રહેલી મહિલાને પોલીસે 40 મિનિટની સઘન શોધખોળ બાદ દરવાજો તોડીને બચાવી લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી બી ડિવિઝન લગધીરગેટ ચોકીની PCR વાન (નંબર GJ-18-BW-2983) ની ટીમને એક કોલ મળ્યો હતો. જેમાં એક મહિલાએ પોતાના પતિ સાથે ઝઘડો થતાં પોતે સુસાઇડ કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ ગંભીર વર્ધી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક કોલ લોકેશન વાળી જગ્યા પર પહોંચી હતી. જોકે, કોલરે પોતાનું નામ કે ચોક્કસ સરનામું જણાવ્યું ન હતું. પોલીસે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા મહિલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

સરનામું ન હોવા છતાં પોલીસ ટીમે ગાંધીનગર કંટ્રોલ રૂમના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ મકાનોમાં જઈને આશરે 40 મિનિટ સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી. આખરે જહેમતના અંતે પોલીસને મહિલાનું મકાન મળી ગયું હતું. પોલીસે મહિલાને દરવાજો ખોલવા સમજાવવા છતાં તે દરવાજો ખોલવા તૈયાર ન હતી. આ દરમિયાન પોલીસે બારીમાંથી નજર કરતા મહિલા ખુરશી પર ઉભેલી જોવા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોલીસે દરવાજો તોડી નાખી મહિલાને આપઘાત કરતા બચાવી લીધી હતી.

જે બાદ પોલીસે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ હળવદની વર્ધીમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ, સમજાવટ છતાં મહિલા સખી વનસ્ટોપ કેન્દ્ર ખાતે જવા તૈયાર ન હતી. જેથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનથી તાત્કાલિક મહિલા પોલીસ કર્મચારીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાના સગા- સંબંધીઓને પણ બોલાવાયા હતા અને તેમની હાજરીમાં મહિલાનું નિવેદન નોંધીને તેને કાઉન્સેલિંગ માટે સખી વનસ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી.

પોલીસની આ સમગ્ર બચાવ કામગીરી અને કાયદાકીય કાર્યવાહીમાં અંદાજે 1 કલાક અને 58 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. મોરબી પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments