વર્ષ દરમિયાન વાણી, વર્તન કે વિચારથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમાયાચના કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ પાઠવ્યું
મોરબી ડેઈલી : પર્વાધિરાજ સંવત્સરી નિમિત્તે મોરબી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તેમજ મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી કવિનભાઈ શાહે સમસ્ત જૈન સમાજ અને સ્નેહીજનોને સંવત્સરી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તેમણે સંવત્સરીના પવિત્ર દિવસે વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી જીવદયા અને સમાજસેવાનો સંદેશ આપ્યો હતો.
સંવત્સરીના પર્વને આત્મચિંતન અને ક્ષમાપનાના દિવસ તરીકે યાદ કરતાં કવિનભાઈ શાહે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન પોતાના કોઈ શબ્દ, વર્તન કે વિચારથી પરિવાર, સમાજ કે અન્ય કોઈ વ્યક્તિને જાણતા-અજાણતા દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે તેઓ અંતઃકરણપૂર્વક ક્ષમા માંગે છે અને ‘મિચ્છામિ દુક્કડમ્’ પાઠવે છે.
તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં ક્ષમાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને સંવત્સરી પર્વ પર પરસ્પર થયેલી ભૂલોને ભૂલી સંબંધોમાં સ્નેહ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપવામાં આવે છે. આ પર્વ માત્ર ક્ષમાયાચના પૂરતું સીમિત ન રહે, પરંતુ જીવનમાં અહિંસા, સંયમ, જીવદયા અને સેવાભાવને આગળ વધારવાની પ્રેરણા આપે તે જરૂરી છે.
ભગવાન મહાવીર સ્વામીના અહિંસા અને અનેકાંતવાદના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી સમાજ વધુ સંગઠિત બને, યુવાનો ધર્મ અને સંસ્કારો તરફ આગળ વધે તથા જીવદયા અને સાધર્મિક સેવાના કાર્યોને વેગ મળે તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.











