Friday, October 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઠંડા પીણા વગર રૂપિયે આપવાનો ઇન્કાર કરતા દુકાનમાં તોડફોડ કરી આંતક...

મોરબીમાં ઠંડા પીણા વગર રૂપિયે આપવાનો ઇન્કાર કરતા દુકાનમાં તોડફોડ કરી આંતક મચાવ્યો

વાવડી રોડ પર મિરા પાર્કમાં એક શખ્સે પથ્થરમારો કરી દાદાગીરી કરી; રાત્રે ધોકો લઈને ફરી દુકાને પહોંચ્યો, પોલીસની ટીમે ઘરેથી ઝડપી લીધો

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા મિરા પાર્ક-2માં મફતમાં ઠંડા પીણા આપવાની ના પાડતા એક શખ્સે દુકાનમાં તોડફોડ કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. નશાની હાલતમાં દુકાને પહોંચેલા શખ્સે વેપારી સાથે માથાકૂટ કરી છૂટા પથ્થરના ઘા કર્યા હતા. એટલું જ નહીં, પોલીસ ફરિયાદ બાદ પણ રાત્રે ધોકો લઈને ફરી દુકાને પહોંચ્યો હતો. અંતે એ ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરે જઈ તેને ઝડપી લીધો હતો.

મિરા પાર્ક-2માં રહેતા અને ત્યાં જ મોમાઈ ડેરી એન્ડ બેકરી નામે દુકાન ચલાવતા 54 વર્ષીય જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી તથા તેમના પત્ની જાગૃતિબેન 1 ઓક્ટોબરના રોજ દુકાને હાજર હતા. તે દરમિયાન મિરા પાર્કમાં જ રહેતો અશોક પરમાર નામનો શખ્સ નશાની હાલતમાં દુકાને આવ્યો હતો અને મફતમાં ઠંડા પીણા માંગ્યા હતા. વેપારીએ મફતમાં વસ્તુ આપવાનો ઇનકાર કરતા શખ્સ ઉશ્કેરાયો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સાથે દુકાનમાં પથ્થરના ઘા કરી તોડફોડ કરી હતી.

બનાવ અંગે વેપારીએ 112 પર કોલ કરતા શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. જોકે, વેપારીના જણાવ્યા મુજબ શરૂઆતમાં પોલીસે માત્ર અરજી સ્વીકારી સાંજે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

દરમિયાન રાત્રિના સમયે અશોક પરમાર ફરીથી ધોકો લઈને દુકાને પહોંચ્યો હતો અને ‘પોલીસ મારું કાંઈ નહીં કરી શકે’ તેમ કહી દાદાગીરી કરી હતી. આથી વેપારીએ ફરી 112 પર કોલ કરી એ ડિવિઝન પીઆઈ જાડેજાને પણ જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને શખ્સને તેના ઘરેથી ઝડપી લીધો હતો.

આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલને પણ જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે અરજીના આધારે કાર્યવાહી કરી શખ્સને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આજે વિધિવત ફરિયાદ લઈને ગુનો નોંધવામાં આવશે. જાહેરમાં વેપારીની દુકાને તોડફોડ અને ધમકીના બનાવમાં હવે પોલીસ આગળ કાયદેસરની કેવી કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments