Saturday, October 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ: વીર સૈનિકોનું સન્માન અને શિક્ષકોને...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ: વીર સૈનિકોનું સન્માન અને શિક્ષકોને રાષ્ટ્રનિર્માણનો સંદેશ

“સીમા પર સૈનિક દેશની રક્ષા કરે છે, જ્યારે વર્ગખંડમાં શિક્ષક દેશના ભવિષ્યનું ઘડતર કરે છે”

મોરબી ડેઈલી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિરપર કેમ્પસ ખાતે રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા બે વિશિષ્ટ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌમાં દેશપ્રેમ, કર્તવ્યભાવ અને રાષ્ટ્રીય મૂલ્યોની નવી ચેતના પ્રગટાવી હતી.

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સશસ્ત્ર દળ સન્માન સમારોહ

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિરપર કેમ્પસ ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.

‘મારો દેશ, મારું અભિમાન’ની રાષ્ટ્રભાવના સાથે યોજાયેલા આ સમારોહમાં દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો તેમજ તેમના પરિવારજનોનું કૃતજ્ઞતાભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સૈનિકોની અદમ્ય વીરતા, શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક વંદન કર્યું હતું.

આ સન્માન સમારોહ દ્વારા દેશવાસીઓની સુરક્ષા માટે સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવતા અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.

સ્ટાફ સેમિનારમાં આચાર્ય ગોપાલજીનું પ્રાસંગિક ઉદ્બોધન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સ્ટાફ સેમિનારમાં પ્રખર વક્તા આચાર્ય ગોપાલજીએ રાષ્ટ્રહિત, શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે ઓજસ્વી અને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું.

આચાર્ય ગોપાલજીએ જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ આવનારી પેઢીના વિચાર, સંસ્કાર, ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું ઘડતર કરનાર રાષ્ટ્રશિલ્પી છે. દેશની આવનારી પેઢીના સાચા રક્ષક તરીકે શિક્ષકની જવાબદારી અત્યંત વિશાળ અને મહત્ત્વપૂર્ણ છે.

તેમણે આધુનિક ટેક્નોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ, દેશહિતની ભાવના, માનવતા, સહજતા, સંવેદનશીલતા અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટેક્નોલોજી વિદ્યાર્થીઓને જ્ઞાનવાન બનાવી શકે છે, પરંતુ તેમને સંસ્કારી, માનવતાસભર અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક બનાવવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનું યોગદાન અનન્ય છે. એક સીમા પર અડીખમ રહીને દેશની રક્ષા કરે છે, જ્યારે બીજો વર્ગખંડમાં જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરીને દેશનું ભવિષ્ય ઘડે છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે આવા રાષ્ટ્રભાવનાસભર કાર્યક્રમો યોજાવા એ અમારા સમગ્ર નવયુગ પરિવાર માટે ગૌરવની બાબત છે.”

તેમણે વીર સૈનિકો તથા તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આચાર્ય ગોપાલજીના પ્રેરણાદાયી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે યોજાયેલા બંને કાર્યક્રમોએ સૈનિકનું શૌર્ય અને શિક્ષકના સંસ્કાર રાષ્ટ્રની શક્તિના બે મજબૂત સ્તંભ છે તેવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દેશભક્તિ, કર્તવ્યભાવ અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી ગુંજી ઊઠ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments