Tuesday, November 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધ માજીને 181 અભયમ ટીમે પરિવાર સાથે સહી સલામત...

મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધ માજીને 181 અભયમ ટીમે પરિવાર સાથે સહી સલામત મિલન કરાવ્યું

મોરબી ડેઈલી: મોરબીમાં ભૂલા પડી ગયેલા એક વૃદ્ધ માજીને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ધીરજપૂર્વક મદદ કરી તેમના પરિવાર સાથે સહી સલામત મિલન કરાવ્યું હતું. એક જાગૃત નાગરિકે હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે એક વૃદ્ધ માજી ઘણા સમયથી એકલા બેઠેલા છે અને યોગ્ય રીતે જવાબ આપી શકતા નથી. ઉંમરને કારણે તેઓ ચાલી શકતા ન હતા અને હાથનો ટેકો લઈને ધીમે ધીમે આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા. તેમને સાંભળવામાં પણ તકલીફ હતી. માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ વિરમભાઈ સ્થળે પહોંચ્યા હતા. ટીમે માજીને હૂંફ અને સાંત્વના આપી તેમના રહેઠાણ અને પરિવાર અંગે પૂછપરછ કરી, પરંતુ ઉંમરને કારણે તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. શરૂઆતમાં તેઓ 181 વાનમાં બેસવા પણ તૈયાર ન હતા, જેથી ટીમે ધીરજપૂર્વક સમજાવ્યા હતા. ત્યારબાદ માજીને રિક્ષામાં બેસાડી તેમણે ઈશારાથી બતાવેલા રસ્તે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ ચોક્કસ માહિતી મળી ન હતી.

ઘણા પ્રયત્નો બાદ માજીએ જેતપર ગામનું નામ જણાવતા ટીમ તેમને વાનમાં બેસાડી જેતપર ગામે લઈ ગઈ હતી. ગામમાં તપાસ કરતા તેમના પરિવારજનો મળી આવ્યા હતા અને માજીને તેમના પુત્રને સોંપવામાં આવ્યા હતા. પુત્રે જણાવ્યું હતું કે તેમની માતા અવારનવાર રિક્ષામાં બેસીને પોતાની દીકરી તથા બહેનના ઘરે જતા હોય છે અને પરત પણ આવી જતા હોય છે. પરિવારજનો સમજાવવા છતાં તેઓ એકલા નીકળી જતા હોય છે, પરંતુ રાત્રિનો સમય અને વધુ ઉંમરને કારણે આ વખતે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.

181 અભયમ ટીમે પુત્રને જરૂરી સલાહ-સૂચન આપ્યા હતા. માતાની ઉંમર અને શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમની ખાસ કાળજી રાખવા, તેમને એકલા ઘરેથી બહાર ન મોકલવા અને બહાર જવાની જરૂર હોય ત્યારે પરિવારના કોઈ સભ્યને સાથે મોકલવા સમજાવ્યું હતું. ટીમની સમયસર અને સંવેદનશીલ કામગીરી બદલ પરિવારજનોએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments