Tuesday, November 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપનો સેવાયજ્ઞઃ વંચિત બાળકો અને જરૂરિયાતમંદોને કરાવ્યું ભરપેટ...

જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપનો સેવાયજ્ઞઃ વંચિત બાળકો અને જરૂરિયાતમંદોને કરાવ્યું ભરપેટ ભોજન

મોરબી ડેઈલી: સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા માનવતાની મહેક પ્રસરાવતું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અવસરે શહેરના વંચિત વિસ્તારોમાં રહેતાં ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદ બાળકોને જલારામ બાપાના પ્રસાદ તરીકે સ્નેહભર્યું ભોજન પીરસવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગને સામાજિક સંવેદના સાથે જોડીને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાના આ પ્રયાસ દ્વારા બાપાના સદાવ્રતની પરંપરાને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જલારામ બાપાનું સમગ્ર જીવન પરોપકાર, અન્નદાન અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક રહ્યું છે. વિરપુરથી શરૂ થયેલી તેમની અન્નસેવાની પરંપરાએ સમગ્ર દેશમાં માનવસેવાનો અનોખો સંદેશ પહોંચાડયો છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મજયંતિની ઉજવણીને સેવાકાર્યનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો અને જરૂરિયાતમંદોને ભોજનની સાથે લાગણી, આત્મીયતા અને સન્માનની અનુભૂતિ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા અનેક વર્ષોથી મોરબીમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ખાસ કરીને ગરીબ પરિવારો, વંચિત બાળકો અને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકો સુધી મદદ પહોંચાડવાના અનેક પ્રયાસો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. સેવાકાર્યને પ્રસંગોપાત પ્રવૃત્તિ ન ગણતાં નિયમિત સામાજિક જવાબદારી તરીકે નિભાવતી સંસ્થા દ્વારા જલારામ જયંતિએ પણ અન્નદાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, જલારામ બાપાએ પોતાના આચરણથી સાબિત કર્યું છે કે માનવસેવા કરતાં મોટો કોઈ ધર્મ નથી. કોઈ જરૂરિયાતમંદની ભૂખ સંતોષવી એ જ ઈશ્વરની આરાધનાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ‘રોટલો ત્યાં હરિ હૂકડો’ના વિચારમાં જીવનની સૌથી મોટી આધ્યાત્મિક શીખ સમાયેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ધાર્મિક તહેવારો અને જયંતિઓની ઉજવણી માત્ર વિધિ-વિધાન પૂરતી સીમિત ન રહેવી જોઈએ.આવા અવસરો સમાજના છેવાડે જીવતા લોકોના જીવનમાં ખુશી લાવવાનું માધ્યમ બને તે જરૂરી છે. એક તરફ મંદિરોમાં ભગવાનને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ કોઈ બાળક ભોજનની રાહ જોતું હોય તો તેની જરૂરિયાત પ્રત્યે પણ એટલી જ સંવેદનશીલતા રાખવી જોઈએ.

ડૉ. રબારીએ સ્પષ્ટ કર્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાપ્રવૃત્તિ પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા નથી.સમાજના જરૂરિયાતમંદ વર્ગને ઉપયોગી થવું અને બાળકોના ચહેરા પર ખુશી લાવવી એ જ સંસ્થાની કામગીરીનો મુખ્ય હેતુ છે. જલારામ જયંતિ નિમિત્તે યોજાનાર ભોજનસેવા પણ આ જ વિચારધારાનું પ્રતિબિંબ છે. સમાજના દરેક સક્ષમ નાગરિકે પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું જોઈએ. જલારામ બાપાના જીવનમાંથી મળતી આ જ પ્રેરણાને જીવનમાં ઉતારવી એ જ તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રેષ્ઠ ભાવાંજલિ બની રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments