Tuesday, November 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી 15 વર્ષની કિશોરીનું 181 ટીમે પરિવાર સાથે...

ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી 15 વર્ષની કિશોરીનું 181 ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી ડેઈલી : મહિલાઓની સુરક્ષા અને મદદ માટે દિવસ- રાત કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન સેવા બહેનો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોરબીમાં બહેન-બનેવીના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને નવા વર્ષના દિવસે જ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલી 15 વર્ષની પરપ્રાંતીય કિશોરીને 181 ટીમે શોધી કાઢી, કાઉન્સેલિંગ કરી હેમખેમ તેના પરિવારને સોંપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 10/11/2026 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે કોલ કરીને જણાવ્યું હતું કે, મોરબીના શનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલી અને અત્યંત ગભરાયેલી હાલતમાં બેઠી છે. તે સરખું સરનામું પણ આપી શકતી નથી અને તે શું બોલે છે તે ભાષા બરાબર સમજાતી નથી. આ કોલ મળતા જ 181 ના કાઉન્સેલર જાગૃતિબેન ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા

ટીમે ત્યાં પહોંચીને જોયું તો સ્થાનિકોએ કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખી હતી. 181 ની ટીમે કિશોરીને હૂંફ અને સાંત્વના આપી સંવેદનશીલતાથી કાઉન્સેલિંગ કરતા કિશોરીએ જણાવ્યું હતું કે, તે મૂળ છત્તીસગઢ રાજ્યની વતની છે અને તેના માતા-પિતા ત્યાં જ રહે છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી તે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં તેના બહેન અને બનેવી સાથે રહેવા આવી છે. કિશોરીએ જણાવ્યું કે, તેના બહેન- બનેવી રોજ નાની નાની વાતમાં તેને માનસિક ત્રાસ આપે છે, ગેરવર્તન કરી અપશબ્દો બોલે છે અને મારઝૂડ પણ કરે છે. આ ત્રાસથી છેલ્લા આઠ કલાકથી કંટાળીને તે કોઈને પણ કહ્યા વગર પોતાની મરજીથી બપોરના સમયે ઘરેથી નીકળી ગઈ હતી.

કિશોરી મોરબીમાં નવી જ હોવાથી તેને કંપનીનું નામ કે સરનામું યાદ ન હતું. મહામહેનતે 181 ટીમે કિશોરીના વતનમાં રહેતા માતાનો મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી મોરબી રહેતા બનેવીનો નંબર મેળવ્યો હતો.

બનેવી સાથે વાત કરી અને જરૂરી આધાર પુરાવાઓ ચકાસ્યા બાદ 181 ની ટીમ કિશોરીને લઈને લજાઈ પાસેની ફેક્ટરીએ પહોંચી હતી. બીજી તરફ બનેવીએ જણાવ્યું હતું કે, બપોરથી દીકરી ગુમ હોવાથી તેઓ તેને મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં શોધી રહ્યા હતા પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

ત્યારબાદ 181 ટીમે કિશોરીના બહેન અને બનેવીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભવિષ્યમાં કિશોરી સાથે મારઝૂડ કે ગેરવર્તન ન કરવા અને માનસિક ત્રાસ ન આપવા કડક તાકીદ કરી કાયદાની સમજ આપી હતી. કિશોરીને પણ સમજાવીને ભવિષ્યમાં ક્યારેય ઘરની બહાર કોઈને કહ્યા વગર ન નીકળવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે કિશોરી રાજી થતાં તેને તેના બહેન-બનેવીના ઘરે સહીસલામત સોંપવામાં આવી હતી. પરિવારજનોએ પોતાની દીકરી હેમખેમ પરત મળતા 181 ટીમનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments