Monday, October 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક: 22 ઓક્ટોબરે યોજાશે 'મહાસંમેલન'

મોરબીમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક: 22 ઓક્ટોબરે યોજાશે ‘મહાસંમેલન’

મોરબી ડેઈલી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આગામી 22 ઓક્ટોબર ને ગુરુવારના રોજ મોરબી ખાતે એક વિશાળ ‘મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોરબી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ આ મહાસંમેલન વિશે માહિતી આપી હતી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા લલિતભાઈ કગથરાએ જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર મહિનાથી મોરબી અને સૌરાષ્ટ્રના ખેડૂતો વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને થાંભલાઓની કામગીરીનો સખત વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે પોલીસ અને તંત્રના જોરે ખેડૂતોની કિંમતી જમીનો પર બળજબરીપૂર્વક થાંભલા નાખવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોરબીના જેતપર, કચ્છ, રાજકોટ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલી રહ્યું છે. કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા માટે ખેડૂતોને પૂરતું વળતર અને માસિક ભાડું ચૂકવવામાં આવે.

આ ઉપરાંત કોંગ્રેસે પાક વીમા યોજનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1986 માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ખેડૂતોના રક્ષણ માટે પાક વીમા યોજના શરૂ કરી હતી. જોકે, વર્ષ 2020 માં ગુજરાત સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. પાક વીમા યોજનાના લાભથી મોરબી જિલ્લાના ખેડૂતોને છેલ્લા 20 વર્ષમાં અંદાજે 845 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ, યોજના બંધ થવાના કારણે કુદરતી આફતો સમયે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને તેઓ બેહાલ બન્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં પડેલા અપૂરતા વરસાદને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતો તેમજ પશુપાલકોને સહાય પૂરી પાડવામાં આવે.

આ બંને મુખ્ય મુદ્દાઓને લઈને ખેડૂતોને ન્યાય અપાવવા અને સરકારના કાન ઉઘાડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 22 ઓક્ટોબરે મોરબીના શનાળા થી રાજપર રોડ પર આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સહિત સૌરાષ્ટ્રના અન્ય આગેવાનો અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે આ મહાસંમેલન બાદ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments