મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન, 25 શહીદ પરિવારોને સહાય અપાશે
આયોજક અજય લોરિયા દ્વારા સતત 12માં વર્ષે ભવ્ય આયોજન: ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ, નવે નવ દિવસ ગરબા બાદ મંડળી રાસની રમઝટ જામશે
મોરબી ડેઈલી : મોરબીમાં છેલ્લા 12 વર્ષથી શહીદ જવાનોના પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આયોજક અજય લોરિયા દ્વારા આ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે.
આયોજક અજય લોરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 301 શહીદ પરિવારોને 4 કરોડ 76 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ 12માં વર્ષે પણ વધુ 25 શહીદ પરિવારોને આમંત્રિત કરી પ્રત્યેક પરિવારને 1 લાખ રૂપિયા લેખે કુલ 25 લાખ રૂપિયાની સહાયના ચેક અર્પણ કરવામાં આવશે.
આ વર્ષે નવરાત્રીમાં એક વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ખેલૈયાઓની માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત અને વડોદરાની જેમ મોરબીમાં પણ નવે નવ દિવસ ગરબા પૂર્ણ થયા બાદ શરણાઈ અને ઢોલના તાલે ‘મંડળી રાસ’નું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ માટે ‘નો તિલક નો એન્ટ્રી’નો નિયમ રાખવામાં આવ્યો છે. પ્રવેશદ્વાર પર 11 બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે, જેઓ દરેક ખેલૈયાને તિલક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપશે. આ મહોત્સવમાં ગરબાની રમઝટ બોલાવવા માટે સાગરદાન ગઢવી, વૈભવી ત્રિવેદી, રૂપાલી જાંબુચા અને કરણ બારોટ જેવા જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. 30 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં 25000 ખેલૈયાઓ એકસાથે રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમની જવાબદારી મારુતિ સાઉન્ડના વલ્લભભાઈ સંભાળી રહ્યા છે.
કાર્યક્રમની પારદર્શિતા અંગે અજય લોરિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના દિવસે માતા ઉમિયાના ચરણોમાં અને જાહેર જનતા સમક્ષ પાઈ-પાઈનો હિસાબ રજૂ કરવામાં આવશે. તેમણે ખેલૈયાઓને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈએ ફ્રી પાસ માટે આગ્રહ ન રાખવો અને પાસ ખરીદીને શહીદ પરિવારોને આર્થિક મદદરૂપ થવા સહયોગ આપવો. પાસ જય ટેલિકોમ, વિશાળ સ્ટોર અને અવની ચોકડી ખાતે આવેલા વોડાફોન સ્ટોર સહિતના જાહેર કરેલા સ્થળ પરથી મેળવી શકાશે













