મોરબી ડેઈલી : મોરબીના જલારામ ધામ ખાતે દર મહિનાની 4 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ અંતર્ગત આ રવિવારે વધુ એક સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિતેશભાઈ પ્રભુદાસભાઈ કાથરાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ 60 મા કેમ્પમાં કુલ 219 દર્દીઓએ આંખની તપાસ કરાવી લાભ લીધો હતો.
જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ), શ્રી જલારામ ધામ (મોરબી) અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (મોરબી) ના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આ સર્વજ્ઞાતિય કેમ્પ યોજાયો હતો. સવારે 9 થી 12 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં નિષ્ણાત તબીબો ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખોની સચોટ તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 217 દર્દીઓએ નિદાનનો લાભ લીધો હતો, જેમાંથી 137 દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું, શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરી આપવામાં આવશે. દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવા, ચા-નાસ્તો, તેમજ ચશ્મા અને દવાના ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 59 મહિનાઓથી ચાલતા આ અવિરત સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં કુલ 16,419 દર્દીઓએ લાભ લીધો છે અને 7,513 લોકોના સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીના 60 કેમ્પમાં કુલ 16,638 લોકોનું વિનામૂલ્યે નિદાન થયું છે.
આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહિત જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે, દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાય છે, જેમાં એડવાન્સ બુકિંગની જરૂર નથી, માત્ર દર્દીનું આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (98250 82468), નિર્મિતભાઈ કક્કડ (99988 80588), હરીશભાઈ રાજા (98792 18415) અથવા અનિલભાઈ સોમૈયા (85110 60066) નો સંપર્ક કરી શકાશે.












