મોરબી ડેઈલી: મહિલાઓની મદદ માટે રાત-દિવસ કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મોરબીમાં વધુ એક વખત આશીર્વાદરૂપ સાબિત થઈ છે. માતાના ત્રાસથી કંટાળીને છેલ્લા 9 કલાકથી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ યુવતીનું 181 ની ટીમે સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કરી તેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
તારીખ 05/10/2026 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, મોરબીના ત્રાજપર ગામે મયુર સોસાયટીમાં એક અજાણી યુવતી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે. યુવતી સરખું સરનામું પણ આપી શકતી નથી અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે, તેથી તેને મદદની તાત્કાલિક જરૂર છે.
આ કોલના પગલે ફરજ પરના 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા તેમજ પાયલોટ વિરમભાઇ જીડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ યુવતીને એક સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી. ટીમે સૌપ્રથમ ગભરાયેલી યુવતીને સાંત્વના આપી તેની સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ટીમ દ્વારા યુવતીનું સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવતા તેણે પોતાની મનોવ્યથા વ્યક્ત કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતાના પરિવાર સાથે એક કંપનીમાં રહે છે અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તેની માતા ક્યારેક નશીલા દ્રવ્યોનું સેવન કરીને તેની સાથે ગેરવર્તન કરે છે અને અપશબ્દો બોલે છે. નાની નાની વાતોમાં માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી ઘરની બહાર નીકળી જવાનું કહે છે. ઉપરાંત, જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ લઈ આપતી નથી. આ રોજરોજના ત્રાસથી કંટાળીને તે બપોરના સમયે ઘરે કોઈને પણ જાણ કર્યા વિના નીકળી ગઈ હતી.
પરિવારને કાયદાકીય સમજણ આપી દીકરી સોંપાઈ
યુવતી પાસે તેના પરિવારનો કોઈ સંપર્ક નંબર ન હતો. જોકે, તેણે પોતાની કંપનીનું સરનામું જણાવતા 181 ની ટીમ તેને ત્યાં લઈ ગઈ હતી. ત્યાં પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે બપોરે માતા-દીકરી વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારે તેને શોધવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે મળી ન હતી.
181 ટીમ દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. યુવતી સાથે ગેરવર્તન કે મારઝૂડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપી દીકરીનું ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી હતી. સામે પક્ષે યુવતીએ પણ હવે ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો. યુવતીને સહી-સલામત તેના ઘરે પહોંચાડવા બદલ પરિવારે 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો











