Friday, October 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiBAPS સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ: 5000 યજમાનોની આહુતિ સાથે 'વિશ્વશાંતિ મહાયજ્ઞ' યોજાયો

BAPS સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ: 5000 યજમાનોની આહુતિ સાથે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ યોજાયો

પ.પૂ. મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ભક્તોએ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી: આવતીકાલે ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબી ડેઈલી : સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વફલકે ચમકતી મોરબી નગરીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ.પૂ. મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો છે. શુક્રવારે સવારે 7:30 કલાકે મંદિર પ્રાંગણમાં પવિત્ર સંતો અને વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દેશ-વિદેશના 5000 જેટલા ભક્તોએ વિશ્વશાંતિ માટે આહુતિ આપી હતી.

આ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.એ.ઈ., સાઉથ આફ્રિકા, કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડા સહિતના દેશોમાંથી યજમાનોએ ભાગ લીધો હતો. વિશેષ રૂપે આફ્રિકા ખંડમાંથી 150 થી વધુ યજમાનો જોડાયા હતા. સંસ્થાના ષડ્દર્શનાચાર્ય વિદ્વાન સંત પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન મુજબ 25 વેદપાઠી બ્રાહ્મણો દ્વારા યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગોંડલ અક્ષરદેરીની અખંડ જ્યોતથી યજ્ઞકુંડની જ્યોતિ પ્રજ્વલિત કરી, મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ સમક્ષ જવ, તલ, ડાંગર, ઘી અને સમિધની આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે યોજાયેલા આ યજ્ઞમાં મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વમંત્રી બ્રીજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા અને તપનભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબીના કલેક્ટર, ડીડીઓ અને એસ.પી. પણ યજ્ઞમાં દર્શનાર્થે પધાર્યા હતા, જેઓને પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આવકાર્યા હતા.

93 વર્ષની જૈફ વયે પ.પૂ. મહંતસ્વામી મહારાજ યજ્ઞશાળામાં પધાર્યા હતા અને મંચ પર બિરાજમાન મૂર્તિઓની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, “આ યજ્ઞથી સર્વત્ર સુખ, શાંતિ અને ધર્મભાવના વધશે. તમામ યજમાનો તને, મને અને ધને એમ સર્વ પ્રકારે સુખી થાવ એવી ભગવાનને પ્રાર્થના.” યજ્ઞનું માહાત્મ્ય સમજાવતા જણાવાયું હતું કે યજ્ઞ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે, શારીરિક સ્વાસ્થ્ય વધે છે અને માનસિક ઉદ્વેગો દૂર થાય છે.

આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવાયું છે કે, આજે સાંજે 5:00 થી 8:00 દરમિયાન મહંત સ્વામી સભાગૃહમાં ‘સ્વાગત-અભિવાદન સમારોહ’ યોજાશે. આવતીકાલે 24 ઓક્ટોબર, શનિવારે સવારે 7:30 થી 12:00 દરમિયાન ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ અને સાંજે 4:00 થી 7:00 દરમિયાન મોરબીના રાજમાર્ગો પર મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા નીકળશે. બી.એ.પી.એસ. સત્સંગ મંડળ, મોરબીવતી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય આત્મકીર્તિ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિતના સંતોએ સર્વે મોરબીવાસીઓને આ ઐતિહાસિક અવસરનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments