મોરબી ડેઈલી: સમાજસેવાને જીવનનો અભિન્ન હિસ્સો બનાવનાર વૈદરાજ એન.જે. કોરડિયાભાઈ પોતાના 66મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરશે. આગામી તા. 9 નવેમ્બર, 2026ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર સહિત આસપાસનાં ગામોમાં એક જ સમયે 20 સ્થળોએ નિઃશુલ્ક સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને આયુર્વેદિક ઉત્પાદનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
વૈદરાજ એન.જે. કોરડિયાભાઈ દ્વારા આયોજિત આ સેવાકેમ્પ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. જેમાં (NJK) નેત્રબિંદુ આંખનાં ટીપાં, (NJK) હરસના મલમ તેમજ તપોભૂમિની RE-ACTIVE દુખાવાની ટ્યુબનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ સેવાકાર્ય માટે વિવિધ સ્થળોએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર આયોજનનો ખર્ચ તેઓ પોતાના સ્વખર્ચે કરી રહ્યા હોવાનું જણાવાયું છે.
આ સેવાકેમ્પ મોરબી શહેરના દેવપાર્ક, પટેલનગર, સુદર્શન સોસાયટી, લીલા લહેર, નરસંગ ટેકરી, સુપરમાર્કેટ, ચિત્રકૂટ ચોક, અવધ-શ્રીકુંજ, જનતા સોસાયટી, સરદાર સોસાયટી, સોમનાથ મહાદેવ મંદિર, ચોકિયા હનુમાન મંદિર અને અવની રોડ સહિતનાં સ્થળોએ યોજાશે. આ ઉપરાંત મહાબલી હનુમાન મંદિર, ઝીકીયારી, લુંટાવદર, ટંકારા, બગથળા, વાંકડા, હડમતિયા અને શનાળા સહિતનાં વિસ્તારોમાં પણ સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વૈદરાજ કોરડિયાભાઈ અગાઉ પણ ધાર્મિક, આયુર્વેદિક અને સામાજિક કાર્યક્રમો દરમિયાન સેવાકેમ્પ યોજીને સમાજના આરોગ્ય અને કલ્યાણ માટે યોગદાન આપતા રહ્યા છે. ગત વર્ષ દરમિયાન તેમણે અંદાજે 30 હજાર રૂપિયાના ખર્ચે 23 સેવાકેમ્પ યોજ્યા હોવાનું જણાવાયું છે. હવે જન્મદિવસના અવસરે એકસાથે અનેક સ્થળોએ સેવાકાર્ય યોજીને સમાજસેવાની આ પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્યસંબંધિત ઉત્પાદનો પહોંચાડવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવના સાથે યોજાનારા આ કેમ્પ દ્વારા સમાજમાં પરોપકાર અને લોકસેવાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.









