સંવિધાનની સફળતા તેની કલમોની સંખ્યામાં નહીં, પરંતુ તેના મૂલ્યોને આત્મસાત કરનારા નાગરિકોના આચરણમાં રહેલી છે.
કોઈ પણ રાષ્ટ્રની મહાનતા માત્ર તેની આર્થિક સમૃદ્ધિ, ભૌગોલિક વિશાળતા કે સૈન્યશક્તિથી નક્કી થતી નથી, પરંતુ તે રાષ્ટ્રમાં વસતા સામાન્ય નાગરિકને કેટલો ન્યાય, કેટલું સન્માન, કેટલી સ્વતંત્રતા અને વિકાસની કેટલી સમાન તકો પ્રાપ્ત થાય છે તેના આધારે નક્કી થાય છે. કોઈ પણ દેશની શાસનવ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે એક વિધાનની આવશ્યકતા હોય છે, જેને આપણે સંવિધાન કહીએ છીએ. ભારતીય સંવિધાન માત્ર કાયદાઓ અને કલમોનો સંગ્રહ નથી, પરંતુ કરોડો ભારતીયોની આશાઓ, આકાંક્ષાઓ, સ્વાભિમાન અને સ્વતંત્રતાનું જીવંત દસ્તાવેજ છે. શરીર સાથે આત્માનો જે સંબંધ છે, એવો જ સંબંધ ભારત સાથે તેના સંવિધાનનો છે.
૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણસભાએ ભારતીય સંવિધાનને અંગીકાર કર્યું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ તે અમલમાં આવ્યું. વિશ્વના સૌથી વિસ્તૃત લેખિત રાષ્ટ્રીય સંવિધાન તરીકે ઓળખાતું આપણું સંવિધાન ભારતની લોકશાહી વ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ છે. આજે સંવિધાનના અંગીકારને ૭૭ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે સંવિધાન દિવસની ઉજવણીની સાથે આપણે એક ગંભીર આત્મચિંતન કરવાની પણ જરૂર છે કે આપણા સંવિધાન નિર્માતાઓએ જે ભારતની કલ્પના કરી હતી, તે ભારતના નિર્માણમાં આપણે કેટલા સફળ થયા છીએ? સંવિધાનની મૂળ ભાવનાને આપણે આપણા સામાજિક, વ્યક્તિગત અને રાષ્ટ્રીય જીવનમાં કેટલી આત્મસાત કરી શક્યા છીએ?
ભારત અનેક ધર્મો, પંથો, જાતિઓ, ભાષાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતો વિશાળ દેશ છે. અહીં થોડા અંતરે ભાષા બદલાય છે, વેશભૂષા બદલાય છે, ખાનપાન બદલાય છે અને જીવનશૈલી પણ બદલાય છે. આટલી બધી વિવિધતાઓ હોવા છતાં આપણને એક ભારતીય તરીકે જોડીને રાખવામાં સંવિધાનની અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સંવિધાન આપણને પોતાની આગવી ઓળખ સાથે જીવવાની સ્વતંત્રતા આપે છે અને સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાની જવાબદારી પણ સોંપે છે. ભારતીય સંવિધાનની વિશેષતા એ છે કે તે આપણને એકસરખા બનવાનું નથી કહેતું, પરંતુ વિવિધતાઓ વચ્ચે એક બનીને જીવવાનું શીખવે છે.
ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાની શરૂઆતમાં લખાયેલા ‘અમે, ભારતના લોકો’ એ માત્ર ત્રણ શબ્દો નથી, પરંતુ ભારતીય લોકશાહીની સમગ્ર વિચારધારાનો સાર છે. દેશની શાસનસત્તાનો મૂળ આધાર દેશની જનતા છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય; વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા; પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરતું બંધુત્વ – આ તમામ મૂલ્યો ભારતીય સંવિધાનની આત્મા છે. પ્રસ્તાવનાનો પ્રત્યેક શબ્દ એક મંત્ર સમાન છે, જે ભારતના વર્તમાનને દિશા અને ભવિષ્યને દૃષ્ટિ આપે છે.
સ્વતંત્રતા પછીની ભારતની વિકાસયાત્રા પર નજર કરીએ તો સંવિધાનની સાર્થકતાનાં અનેક ઉદાહરણો આપણી સામે છે. સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે છે. આર્થિક અને સામાજિક રીતે વંચિત વર્ગોને આગળ વધવા માટે બંધારણીય સુરક્ષા અને તકો પ્રાપ્ત થઈ છે. મહિલાઓને સમાન રાજકીય અધિકારો મળ્યા છે. સામાન્ય નાગરિકને મતાધિકાર દ્વારા દેશની શાસનવ્યવસ્થામાં ભાગીદાર બનાવવામાં આવ્યો છે. અન્યાય સામે ન્યાય મેળવવા માટે બંધારણીય માર્ગો ઉપલબ્ધ થયા છે. અનેક પડકારો વચ્ચે ભારતની લોકશાહી વ્યવસ્થા આગળ વધી રહી છે, તે આપણા સંવિધાનની શક્તિ અને ભારતીય જનતાની લોકશાહી પ્રત્યેની આસ્થાનું પ્રતિબિંબ છે.
પરંતુ આ ઉપલબ્ધિઓની વચ્ચે કેટલાક એવા પ્રશ્નો પણ છે, જે આપણને વિચારવા મજબૂર કરે છે. શું સમાજમાંથી ઊંચ-નીચ અને અસ્પૃશ્યતાની ભાવના સંપૂર્ણપણે દૂર થઈ છે? શું દરેક બાળકને શિક્ષણની સમાન તક પ્રાપ્ત થઈ રહી છે? શું દરેક દીકરી નિર્ભયતાથી જીવન જીવી શકે છે? શું સમાજના અંતિમ છેવાડે ઊભેલા માણસને સમયસર ન્યાય અને સન્માન મળી રહ્યાં છે? શું આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ, એટલા જ અન્યના અધિકારોના રક્ષણ માટે પણ જાગૃત છીએ?
આ પ્રશ્નો સંવિધાનની નિષ્ફળતા દર્શાવવા માટે નથી, પરંતુ સંવિધાનના આદર્શોને વધુ સાર્થક બનાવવાની આપણી સામૂહિક જવાબદારી સમજાવવા માટે છે. શ્રેષ્ઠ સંવિધાન હોવું એ રાષ્ટ્રનું સદભાગ્ય છે, પરંતુ તે સંવિધાનને અનુરૂપ આચરણ કરનારા નાગરિકો હોવા એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. કાયદો અસ્પૃશ્યતાને પ્રતિબંધિત કરી શકે છે, પરંતુ મનમાં રહેલા ભેદભાવને દૂર કરવા માટે શિક્ષણ, સંસ્કાર અને માનવતાની જરૂર પડે છે. કાયદો સમાન અધિકારો આપી શકે છે, પરંતુ સમાન સન્માન આપવાની ભાવના સમાજે પોતે વિકસાવવી પડે છે.
આજના સમયમાં અધિકારોની ચર્ચા ખૂબ થાય છે, પરંતુ કર્તવ્યોની ચર્ચા પ્રમાણમાં ઓછી થાય છે. આપણને અધિકારો જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે, ન્યાય જોઈએ છે અને સારી વ્યવસ્થા જોઈએ છે, પરંતુ આ વ્યવસ્થાને સારી બનાવવામાં આપણી પોતાની જવાબદારી શું છે, તેનો વિચાર પણ એટલો જ જરૂરી છે. આપણે સ્વચ્છ શહેરની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ જાહેર સ્થળે સ્વચ્છતા જાળવીએ છીએ ખરા? આપણે ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા ઇચ્છીએ છીએ, પરંતુ પોતાના અંગત લાભ માટે નિયમો સાથે સમાધાન કરવાનું ટાળીએ છીએ ખરા? આપણે અન્યાય સામે ન્યાયની માંગ કરીએ છીએ, પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય ત્યારે તેના સમર્થનમાં ઊભા રહીએ છીએ ખરા?
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૫૧(ક)માં નાગરિકોના મૂળભૂત કર્તવ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંવિધાનનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું સન્માન કરવું, દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, જરૂર પડે ત્યારે રાષ્ટ્રસેવા માટે તૈયાર રહેવું, સામાજિક બંધુત્વની ભાવના વિકસાવવી, પર્યાવરણનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અને જાહેર સંપત્તિનું જતન કરવું એ આપણા મૂળભૂત કર્તવ્યોમાં સામેલ છે. અધિકારો આપણને સ્વતંત્ર નાગરિક બનાવે છે, પરંતુ કર્તવ્યો આપણને જવાબદાર નાગરિક બનાવે છે. અધિકાર અને કર્તવ્ય વચ્ચેનું સંતુલન જ સ્વસ્થ લોકશાહીની ઓળખ છે.
રાષ્ટ્રસેવા કરવા માટે દરેક વ્યક્તિએ સરહદ ઉપર જવાની જરૂર નથી. એક શિક્ષક નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે, એક અધિકારી પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવે, એક વેપારી નૈતિકતાથી વ્યવસાય કરે, એક યુવાન પોતાની શક્તિનો સમાજના ઉત્થાન માટે ઉપયોગ કરે અને એક સામાન્ય નાગરિક દેશના કાયદાનું પાલન કરે, એ પણ રાષ્ટ્રસેવા જ છે. ભૂખ્યાને ભોજન આપવું, જરૂરિયાતમંદ બાળકને શિક્ષણમાં મદદ કરવી, નિરાધારને સહારો આપવો, મહિલાઓનું સન્માન કરવું અને અન્યાયનો ભોગ બનેલી વ્યક્તિને કાયદેસર રીતે મદદ કરવી એ માનવસેવાની સાથે બંધારણીય મૂલ્યોને જીવનમાં ઉતારવાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
આપણી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને એક સુંદર વિચાર આપ્યો છે –
अयं निजः परो वेति गणना लघुचेतसाम्। उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥
અર્થાત્, આ મારો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત વિચારધારા ધરાવતા લોકો કરે છે, જ્યારે ઉદાર હૃદય ધરાવતા લોકો માટે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. ભારતીય સંવિધાનમાં રહેલી બંધુત્વની ભાવના પણ આપણને પરસ્પર સન્માન, સહઅસ્તિત્વ અને માનવીય ગરિમાનો સંદેશ આપે છે. સમાજમાં વ્યક્તિની ઓળખ તેની જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિ કરતાં તેના ગુણો, ચારિત્ર્ય અને કર્મોના આધારે થવી જોઈએ. સામાજિક સમરસતા કોઈ ભાષણનો વિષય નહીં, પરંતુ આપણા રોજિંદા વ્યવહારનો ભાગ બનવી જોઈએ.
વર્તમાન સમય ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સોશિયલ મીડિયાનો સમય છે. માહિતીના આ વિશાળ પ્રવાહમાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવો પણ એક નાગરિક જવાબદારી બની ગઈ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીની અમૂલ્ય ભેટ છે, પરંતુ કોઈની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી, અફવાઓ ફેલાવવી કે સમાજમાં દ્વેષ ઊભો કરવો એ સ્વતંત્રતાનો જવાબદાર ઉપયોગ નથી. લોકશાહીમાં અસહમતિને સ્થાન છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે. પરંતુ મતભેદને મનભેદમાં અને વૈચારિક અસહમતિને વ્યક્તિગત દુશ્મનાવટમાં પરિવર્તિત થતી અટકાવવાની જવાબદારી પણ આપણી જ છે. વિચારો અલગ હોઈ શકે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સંવિધાન પ્રત્યેનો આદર આપણને જોડીને રાખે તે જરૂરી છે.
આવનારા સમયમાં ભારત વિશ્વની એક વધુ સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રવ્યવસ્થા તરીકે આગળ વધે તેવી આપણા સૌની અભિલાષા છે. પરંતુ વિકસિત ભારતની પરિકલ્પના માત્ર ઊંચી ઇમારતો, વિશાળ માર્ગો, આધુનિક ટેક્નોલોજી અને આર્થિક વિકાસ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. સાચા અર્થમાં વિકસિત ભારત એ હશે, જ્યાં વિકાસની સાથે માનવતા હશે, સમૃદ્ધિની સાથે સંવેદના હશે, શિક્ષણની સાથે સંસ્કાર હશે, સ્વતંત્રતાની સાથે જવાબદારી હશે અને સત્તાની સાથે જવાબદેહી હશે. જ્યાં સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા માણસને પણ સન્માનપૂર્વક જીવવાની તક પ્રાપ્ત થશે.
આ માટે યુવા પેઢીમાં બંધારણીય મૂલ્યોનું સિંચન કરવું અત્યંત આવશ્યક છે. યુવાનોને માત્ર સંવિધાનની કલમો યાદ કરાવવી પૂરતી નથી, પરંતુ તેની પાછળ રહેલા ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મર્મને સમજાવવો જરૂરી છે. દેશને માત્ર ડૉક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ અને ઉચ્ચ અધિકારીઓની જ જરૂર નથી, પરંતુ પ્રામાણિક, સંવેદનશીલ, કર્તવ્યનિષ્ઠ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત નાગરિકોની પણ એટલી જ જરૂર છે. કારણ કે રાષ્ટ્રનું ભવિષ્ય માત્ર યુવાનોની શૈક્ષણિક લાયકાતમાં નહીં, પરંતુ તેમના વિચારો, ચારિત્ર્ય અને કર્તવ્યનિષ્ઠામાં રહેલું છે.
આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છીએ, તેની પાછળ અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો ત્યાગ, સંઘર્ષ અને બલિદાન રહેલું છે. બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, મુસદ્દા સમિતિના અધ્યક્ષ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા બંધારણસભાના તમામ સભ્યોના અથાગ પરિશ્રમથી આપણને એક સર્વસમાવેશી અને માનવીય મૂલ્યોથી પરિપૂર્ણ સંવિધાન પ્રાપ્ત થયું છે. આ મહાન વિભૂતિઓ પ્રત્યે સાચી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હોય તો માત્ર તેમની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવાથી નહીં, પરંતુ તેમણે આપેલા બંધારણીય મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાથી કરવી જોઈએ.
સંવિધાન દિવસ માત્ર એક ઐતિહાસિક ઘટનાની ઉજવણીનો દિવસ નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીને પુનઃસ્મરણ કરવાનો દિવસ છે. સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન કરવું જેટલું મહત્ત્વપૂર્ણ છે, તેટલું જ તેના મૂલ્યોનું પાલન કરવું પણ મહત્ત્વપૂર્ણ છે. સંવિધાન પુસ્તકમાં સુરક્ષિત રહે એ પૂરતું નથી, તે પ્રત્યેક ભારતીયના વિચારોમાં, વ્યવહારમાં, સંસ્કારમાં અને ચારિત્ર્યમાં જીવંત રહેવું જોઈએ. સંવિધાનનું રક્ષણ કરવું એટલે માત્ર એક દસ્તાવેજનું રક્ષણ કરવું નહીં, પરંતુ દેશના પ્રત્યેક નાગરિકની સ્વતંત્રતા, સમાનતા, ગરિમા અને તેના ભવિષ્યનું રક્ષણ કરવું.
આવો, સંવિધાન દિવસના પાવન અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહીશું, અન્યના અધિકારો પ્રત્યે સંવેદનશીલ રહીશું અને પોતાના કર્તવ્યો પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, ધર્મ, પંથ અને વ્યક્તિગત હિતથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવીશું. આવનારી પેઢીને માત્ર સમૃદ્ધ ભારત નહીં, પરંતુ ન્યાયપૂર્ણ, સંસ્કારવાન, સમતામૂલક અને સંવેદનશીલ ભારત વારસામાં આપવાનો પ્રયત્ન કરીશું.
યાદ રાખીએ કે સંવિધાન આપણને વારસામાં મળેલી અમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિ છે, પરંતુ તેની ગરિમા જાળવવી એ આપણી પેઢીની જવાબદારી છે. દેશે આપણને શું આપ્યું તેનો વિચાર કરવાની સાથે આપણે દેશને શું આપી શકીએ તેનો વિચાર જે દિવસે પ્રત્યેક નાગરિક કરવા લાગશે, તે દિવસે સંવિધાન નિર્માતાઓના સ્વપ્નનું ભારત વધુ સાકાર બનશે.
સંવિધાન પ્રત્યે આદર, અધિકારો પ્રત્યે જાગૃતિ, કર્તવ્યો પ્રત્યે નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ – એ જ સંવિધાન દિવસની ઉજવણીની સાચી સાર્થકતા છે.
સમગ્ર દેશવાસીઓને ભારતીય સંવિધાન દિવસની હાર્દિક શુભકામનાઓ. ભારતના મહાન સંવિધાનના તમામ નિર્માતાઓ તથા રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર મહાન વિભૂતિઓને કોટિ કોટિ નમન.
જય હિંદ! વંદે માતરમ્!
– ડૉ. દેવેન રબારી સ્થાપક અને માર્ગદર્શક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી









