મોરબી ડેઈલી:મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન (ફાટક) થી ભડિયાદ ગામ સુધીનો માર્ગ નો પ્રારંભ.આ વિસ્તારના 15,000થી વધુ રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. અંદાજે રૂ.4 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર આ સીસી રોડના કામનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માર્ગની વિગતો મુજબ, અગાઉ અહીં ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીના આદેશ મુજબ ડામર રોડ રદ કરીને ટકાઉ એવા સીસી રોડની મંજૂરી આપવામાં આવી હતી. આ કામનું ખાતમુહૂર્ત અગાઉ મુખ્યમંત્રીના હસ્તે થઈ ગયું હોવાથી, આજે સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નજરબાગ રેલવે ફાટકથી ભડિયાદ ગામ સુધી કુલ 2200 મીટરની લંબાઈમાં આ સીસી રોડ બનાવવામાં આવશે. મૂળ આયોજન મુજબ આ રોડ 10 મીટર પહોળો બનાવવાનો છે, પરંતુ ભવિષ્યમાં પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરની લાઈનો નાખવાની કામગીરીને ધ્યાનમાં રાખીને હાલ બંને બાજુ જગ્યા છોડવામાં આવશે. હાલના તબક્કે સેન્ટરથી બંને બાજુ ૩-૩ મીટર એટલે કે કુલ 6 મીટર પહોળો સિંગલ પટ્ટી જેવો સીસી રોડ તૈયાર કરાશે, અને પાણીની લાઈન નખાઈ ગયા બાદ બાકીની બંને બાજુની જગ્યા પર રોડનું નિર્માણ પૂર્ણ કરાશે. આ સમગ્ર કામગીરી આગામી 4 થી 5 મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. આજે રોડના કામના પ્રારંભ પ્રસંગે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, દંડક, શાસક પક્ષના નેતા, બાંધકામ સમિતિ ચેરમેન રવિ સનાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથ બરાસરા, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.











