ડીલરશિપ મંજુર થઈ ગઈ હોવાનું કહી 50 લાખ જમા કરાવ્યા
મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા ક્ષત્રિય યુવાનને હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની ડિલરશિપ આપવાનાં નામે રૂપિયા 41.71 લાખની છેતરપિંડી આચરવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અલગ અલગ પાંચ બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામના વતની અને હાલમાં અમરનગર ગામે રહેતા ફરિયાદી સહદેવસિંહ હાલુભા ઝાલાએ ગત તા.5ના રોજ ફેસબુક એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની જાહેરાત આવતા જાહેરાત ખોલતા તેમને કંપનીના બનાવટી એકાઉન્ટમાંથી ઇમેઇલ આવ્યો હતો અને ડિલરશીપ લેવી હોય તો ફોર્મ ભરવા જણાવી 50 લાખ રૂપિયા ભરવા પડશે તેવો ઇમેઇલ આવતા સહદેવસિંહ ઝાલાએ તેમના પત્નીના નામે ડિલરશિપ લેવા ફોર્મ ભરી અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે રૂપિયા 41,71,500 જમા કરાવવા છતાં ડિલરશિપ ન મળતા રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂપિયા પરત આપ્યા ન હતા. સહદેવસિંહને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા બનાવ અંગે આરોપી 2 મોબાઇલ ધારક, ત્રણ બેંક એકાઉન્ટ નંબર ધારક તથા તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.











