મોરબી ઉપરાંત રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી
મોરબી : મોરબીમાં બુધવારે બપોરે માળીયા મિયાણા હાઇવે ઉપર ખોખરા હનુમાન મંદિર નજીક આવેલ એલેક્સ પેપેરમિલમાં લાગેલી આગ ગુરુવારે સવારે પાંચ વાગ્યે બુઝાઈ હોવાનું મોરબી ફાયર બ્રિગેડ જણાવી રહ્યું છે, જો કે, હજુ પણ કોઈ કોઈ જગ્યાએ આગના લબકારા ચાલુ હોય ફાયર બ્રિગેડના બ્રાઉઝર સહિતના સાધનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, આગની આ ઘટનામાં વ્યાપક નુકશાન થયું હોવાનું અને 1500થી 1800 ટન પેપરવેસ્ટ ભસ્મીભૂત થયાનું બહાર આવ્યું છે.
મોરબીના માળીયા મિયાણા – કચ્છ હાઈવે ઉપર ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ એલેક્સ પેપરમિલમાં બુધવારે ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડે આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ આગ અત્યંત વિકરાળ બનવાની સાથે પવન હોવાથી પેપરમિલમાં પડેલ પેપરવેસ્ટની ગાસડીઓમા આગ પ્રસરી જતા રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના દેવેન્દ્રસિંહે જાડેજાએ જણાવ્યું હતું કે, બપોરથી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યા બાદ રાત્રે આગ કાબુમાં આવી હતી અને વહેલી સવારે મોરબી ફાયર વિભાગનો સ્ટાફ પરત ફર્યો હતો. જો કે પેપર અને પૂંઠાના જથ્થામાં હજુ પણ આગ લબકારા મારતી હોય ફાયર બ્રાઉઝર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
બીજી તરફ આગ લાગવા પાછળનું સતાવાર કારણ હજુ બહાર આવ્યું નથી, આગની આ ઘટનામાં એલેક્સ પેપેરમિલમાં કાગળ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1500થી 1800 ટન જેટલો પેપરવેસ્ટનો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
અદ્યતન ફાયર સ્ટેશન સત્વરે બનાવો : પેપરમિલ ઉદ્યોગ
મોરબીના ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર એલેક્સ પેપર મિલમાં આગની ઘટનામાં 1500થી 1800 ટન પેપરવેસ્ટ ભસ્મીભૂત થતા વ્યાપક નુકશાન થયું છે ત્યારે મોરબીના અગ્રણી પેપરમિલ ઉદ્યોગકાર વિપુલભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી અદ્યતન ફાયર સ્ટેશન માટે ચાર ચાર વખત રજુઆત કરી છે પરંતુ મંજુર થયેલ ફાયર સ્ટેશન બનતું ન હોય આવી ઘટનામાં ઉદ્યોગોને વ્યાપક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.













