વાંકાનેર તાલુકાના તિથવા ગામે ગાળો બોલવાની ના પાડતા મારામારી થઈ હતી. જેમાં ભાઈના મકાનમાં રહેતા યુવાન સાથે ગોંડલના ત્રણ મહિલા સહિતના શખ્સો ગાળાગાળી કરતા હોવાથી પાડોશમાં રહેતા યુવાને ગાળો બોલવાની ના પાડતા આ તમામ શખ્સોએ મોડી રાત્રે ફરી યુવાનના ઘેર આવી ઝઘડો કરી હાથ ભાંગી નાખી યુવાનના કાકીને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા આરીફભાઈ દિલાવરશા શાહમદાર ઉ.24 નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ રાત્રીના સમયે આરોપી માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન, સુનેહરાબેન અને અયુબ ગામેતી રહે.તમામ ગોંડલ ધાર, ગોંડલ વાળાઓ તેમના બાજુમાં જ રહેતા ભાઈના ઘરમાં રહેતા વસીમશા અકબરશા સાથે ગાળાગાળી કરતા હોવાથી ફરિયાદી આરીફશાએ ગાળો બોલવાની ના પાડી હતી. બાદમાં મોડીરાત્રીના સમયે ફરીથી તમામ આરોપીઓ આરીફશાના ઘેર આવ્યા હતા અને વસીમશા તથા મહમદશા ક્યાં છે તેમ પૂછી તલવાર અને છરી વડે હુમલો કરી બે અજાણ્યા માણસોએ ધોકા વડે હાથ ભાંગી નાખ્યો હતો. જેથી ફરિયાદી બચવા માટે ભાગતા થાર, ઇકો અને મોટર સાયકલ લઈ તમામ આરોપીઓ પાછળ ગયા હતા જે સમયે ફરિયાદીના કાકા કાકી સામેથી આવતા તેમને પણ ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








