ટંકારા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સફાઈ કામદારોની સેટઅપ મુજબની અનેક જગ્યાઓ ખાલી હોવાના મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે.
રજુઆતમાં જણાવાયું છે કે ટંકારા નગરપાલિકા હેઠળ સફાઈ કામદારોની સંખ્યા પૂરતી ન હોવાને કારણે શહેરની સ્વચ્છતા કામગીરી પર અસર પડી રહી છે. સ્વચ્છતા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં માનવબળ જરૂરી હોવાથી સેટઅપ મુજબની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આવેદનપત્રમાં વધુમાં હાલ ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવાની તેમજ નવી ભરતી પ્રક્રિયામાં તેમને પ્રથમ પ્રાથમિકતા આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વિસ્તાર પ્રમાણે યોગ્ય કામગીરી ફાળવવા તથા સફાઈ કામદારોને દિવાળી બોનસ ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે. રજુઆતમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે ટંકારા નગરપાલિકામાં હાલમાં માત્ર બે જ કાયમી સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે, તેથી તેમને તાત્કાલિક CPFનો લાભ આપવામાં આવે. અંતમાં સફાઈ કામદારોના આ મહત્વપૂર્ણ પ્રશ્નોને ગંભીરતાથી લઈને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માટે નગરપાલિકા તંત્રને અપીલ કરવામાં આવી છે.











