મોરબીમાં મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિરેનભાઈ પરબતભાઈ કરોતરાએ આજથી પોતાના ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કર્યો હતો. પ્રચારના પ્રથમ જ દિવસે સ્થાનિકોમાંથી તેમને સકારાત્મક પ્રતિસાદ મળતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિરેન કરોતરાએ આજે યદુનંદન 1, 2 અને 3 તથા આંબાવાડી વિસ્તારમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન ચલાવીને મતદારો સુધી સીધી પહોંચી સાધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિકોને વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, “અડધી રાત્રે પણ જો તમને મારી જરૂર હોય તો નિઃસંકોચ સંપર્ક કરજો,” તેમજ વોર્ડ નંબર-9 માં પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરી હતી.
સ્થાનિક રહેવાસીઓએ પણ હિરેન કરોતરાના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ સતત લોકો વચ્ચે રહેતા અને જરૂરિયાત સમયે સેવા આપતા ઉમેદવાર છે. “તમારે પ્રચાર માટે અહી ધક્કો ખાવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ અને સંપૂર્ણ સમર્થન આપશું,” તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, વિસ્તારોમાં બાકી રહેલા કેટલાક કામો અંગે પણ સ્થાનિકોએ ધ્યાન દોર્યું હતું, જેના જવાબમાં હિરેન કરોતરાએ તમામ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કુલ મળીને પ્રચારના પ્રથમ જ દિવસે મળેલા ઉત્સાહજનક પ્રતિસાદથી ભાજપ માટે આ બેઠક પર મજબૂત સ્થિતિ ઉભી થતી નજરે પડે છે.









