રાજ્યમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા અંગેની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ચૂંટણીમાં મતદાન કરવા માટે સ્થાનિક સંસ્થાની મતદારયાદીમાં નામ હોવું અનિવાર્ય છે. મતદાન મથકે ઓળખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે. જો કોઈ સંજોગોમાં મતદાર પાસે ફોટો ઓળખકાર્ડ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગે માન્ય કરેલા વૈકલ્પિક ૧૪ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરીને પણ મતાધિકારનો ઉપયોગ કરી શકાશે.
એક જ મતદાન મથકની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ મતકુટિર બનાવવામાં આવશે. જેમાં તાલુકા પંચાયત માટેના EVM યુનિટ પર ગુલાબી રંગનું મતપત્ર હશે, જ્યારે જિલ્લા પંચાયત માટેના યુનિટ પર સફેદ રંગનું મતપત્ર જોવા મળશે. મતદારે બંને વિભાગમાં જઈને પોતાની પસંદગીના ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ લાલ લાઈટ થશે અને ‘બીપ’ અવાજ સંભળાશે, જે મત સફળતાપૂર્વક નોંધાયો હોવાની ખાતરી આપશે.








