મોરબીની ધરતી પર રઘુવંશી સમાજની એકતા, સંસ્કાર અને પરંપરાના જતન માટે રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમ આગામી તા. 03 મે 2026, રવિવારના રોજ રવાપર ઘુનડા રોડ સ્થિત વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. નોંધનીય છે કે આ સમૂહ જનોઈ કાર્યક્રમ 16 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, જે છેલ્લે વર્ષ 2010માં યોજાયો હતો. આ વર્ષે કુલ 48 બટુકો યજ્ઞોપવીત સંસ્કાર ગ્રહણ કરીને જનોઈ ધારણ કરશે.
આ મહોત્સવની શરૂઆત તા. 02 મે, શનિવારે રાત્રે 08:00 કલાકે રાસની રમઝટ સાથે થશે. ત્યારબાદ તા. 03 મે, રવિવારે સવારે 06:45 કલાકે મંડપ મુહૂર્ત, સવારે 08:45 કલાકે ગ્રહ શાંતિ અને સવારે 09:45 કલાકે મુખ્ય યજ્ઞોપવીત સંસ્કાર વિધિ યોજાશે. સવારે 11:00 કલાકે દાતાઓ અને મહાનુભાવોનો સન્માન સમારોહ, ત્યારબાદ 11:45 કલાકે કાશી યાત્રા અને બપોરે 12:45 કલાકે ભોજન સમારંભ યોજાશે. આ પવિત્ર પ્રસંગે સંત મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ (ભાણ સાહેબ સમાધિ સ્થાન, કમીજલા) અને પ.પૂ. સાધ્વીજી હંસાગીરી માતાજી (ગિરનારી આશ્રમ, મોરબી) વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. તેમજ ભોજન સમારંભના દાતા તરીકે ગૌરવવંતી રમાબેન દિનેશભાઈ કક્કડ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પરિમલભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર, સેક્રેટરી હાર્દિકભાઈ વિનોદભાઈ કાથરાણી, પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ હસમુખભાઈ પુજારા અને પ્રોજેક્ટ સેક્રેટરી નિખિલભાઈ પ્રવિણભાઈ પોપટ સહિતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.









