મોરબી નજીકના વનાળિયા ગામમાં નિશાળ વાળી શેરીમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કૌટુંબિક કાકાએ પોતાના જ ભત્રીજાને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ કેસમાં આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વનાળિયા ગામની નિશાળ વાળી શેરીમાં ગાળો બોલવા બાબતે મહેશ ગોવર્ધન રાઠોડ તેના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકા સુરેશ કાનજી રાઠોડે ગુસ્સામાં આવીને પોતાના ભત્રીજા મહેશના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેશ ગોવર્ધન રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








