મોરબી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને શહેરના સાંકડા અને જૂના રસ્તાઓ પર લોકો પોતાના વાહનો આડેધડ અથવા રોંગ સાઈડમાં પાર્ક કરીને જતા રહે છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન માટે આજથી 2 નવી ટોઈંગ વાન કાર્યરત કરી છે. જેમાં 2 વ્હીલર માટે 1 અને 4 વ્હીલર વાહનો માટે 1 ટોઈંગ ક્રેન ફાળવવામાં આવી છે. આ કામગીરીનું સીધું સુપરવિઝન ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કલેક્ટરના જાહેરનામા મુજબ જે વિસ્તારોમાં લોકો ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરે છે, ત્યાં આ ક્રેન દ્વારા વાહનો ઉઠાવી લેવામાં આવશે. ત્યારબાદ મોટર વહીકલ (MV) એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન જેવા વિસ્તારોમાં કે જ્યાં ટ્રાફિકની વધુ સમસ્યા છે, ત્યાં ટ્રાફિક પોલીસ અને આ બંને ટોઈંગ વાન સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા જે પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે ત્યાં જ વાહનો પાર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પાર્કિંગની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી પણ હાથ ધરવામાં આવશે.










