મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં તેમજ ઉંચી માંડલ – વાંકડા રોડ પર નવા બની રહેલા બે અલગ અલગ કારખાનામાં લાખો રૂપિયાનો કોપર વાયર ચોરી કરી કારખાનામાં લાખોનું નુકશાન પહોંચાડનાર તસ્કર ટોળીના ચાર સભ્યોને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ અન્ય એક તસ્કરને ફરાર દર્શાવ્યો છે. નવા બનતા કારખાનાને જ નિશાન બનાવતા તસ્કરોએ કોપર વાયર ચોરી ભંગારના ડેલામાં વેચી મારતા હોય એક ભંગારના ધંધાર્થીને પણ પોલીસે દબોચી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલથી વાંકડા ગામ જવાના રસ્તે નવા બની રહેલા પ્લાસ્ટિકના કારખાનામાં તસ્કરોએ દીવાલ કૂદી અંદર ઘુસી વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1500 લીટર ઓઇલ ઢોળી નાખી લાખોના કોપર વાયરની ચોરી કરતા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.એ જ રીતે અગાઉ તા.18 એપ્રિલના રોજ પણ સાદુળકા ગામની સીમમાં બની રહેલા કારખાનામાં તસ્કરોએ એસીના પાઇપ તોડી મોટા પાયે કોપર વાયરની ચોરી કરી હતી.
બબ્બે નવા બનતા કારખાનામાં ચોરીની ઘટના મામલે મોરબી તાલુકા પોલીસે બાતમીદારોને કામે લગાડી ટેક્નિકલ સોર્સથી તસ્કરોનું પગેરું દબાવી બેલા ગામની સીમમાં આવેલ શ્રી કેરમાતા સ્ક્રેપના ડેલામાંથી આરોપીઓ એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ, દીપકભાઈ ઉર્ફે આયુષ મંગીલાલ દેવડા રહે.બન્ને પાડાપુલ નીચે મોરબી, કિશનગીરી કૈલાસગીરી ગોસ્વામી રહે.રામઘાટ મોરબી અને મૂળ રાજસ્થાનના વતની ધરમચંદ લાદુલાલ ગુર્જર રહે.હાલ કેરમાતા સ્ક્રેપના ડેલા વાળાને 198 કિલો પ્લાસ્ટિક કવરવાળો કોપર વાયર, 123 કિલો શુદ્ધ કોપર વાયર, એક સ્પ્લેન્ડર બાઇક અને એક ઓટોરિક્ષા મળીને કુલ રૂ. 3,11,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછતાછમાં અન્ય એક આરોપી બીકરમ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલી કૈલાસભાઈ આંબલિયા રહે.પાડાપુલ નીચે વાળાનું નામ ખુલતા ફરાર જાહેર કરાયો હતો.









