મોરબીના રવાપર રોડથી નર્મદા હોલ તરફ જતા માર્ગ પર કેટલાક ઈસમો દ્વારા માંસ અને મચ્છીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા મરઘી અને માછલી કાપ્યા બાદ તેમાંથી નીકળતો કચરો સીધો જાહેર માર્ગ પર અને આસપાસ નાખવામાં આવે છે. જેના કારણે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક હર્ષદ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રોજના આવવા-જવાના આ મુખ્ય માર્ગ પર આ ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. જાહેર માર્ગ પર માંસ-મચ્છીનો કચરો નાખવાને કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. આ ગંભીર બાબતે મોરબી મહાનગરપાલિકામાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પાલિકાના સફાઈ કર્મીઓ માત્ર રોડ પરથી સફાઈ કરીને ચાલ્યા જાય છે, પરંતુ ગેરકાયદેસર વેચાણ કરતા અને જાહેરમાં દુર્ગંધ મારતો કચરો નાખતા આ ઈસમો સામે કોઈ દંડાત્મક કે કાયમી કાર્યવાહી કરવામાં આવતી નથી.
સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ બાબતે કડક પગલાં લેવામાં આવે અને જાહેર માર્ગ પર ગંદકી ફેલાવતા આવા તત્વો સામે કાર્યવાહી કરી લોકોને આ અસહ્ય દુર્ગંધ અને ગંદકીમાંથી કાયમી છુટકારો અપાવવામાં આવે.









