હળવદ નગરપાલિકા દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલી રહેલા રોડના કામમાં ગુણવત્તાની ખામી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આજ રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અપૂર્ણ અને નીચી ગુણવત્તાવાળું કામ કોઇપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તાના અનેક કામો પ્રગતિમાં છે. તેમાં શરણેશ્વર રોડ પર ચાલી રહેલી પી.સી.સી કામગીરી દરમિયાન ગુણવત્તા અંગે શંકા ઉભી થતાં નગરપાલિકા પ્રમુખ અને સભ્યોએ સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન કામમાં ખામીઓ સામે આવતા તાત્કાલિક ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખાસ નોંધનીય બાબત એ છે કે, નગરપાલિકા દ્વારા જ ખામીયુક્ત પી.સી.સી કામ દૂર કરાવવામાં આવ્યું છે અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સમગ્ર કામગીરી મંજૂર થયેલા ટેન્ડર અને નક્કી માપદંડ મુજબ જ કરવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સમાં નગરપાલિકાએ દાવો કર્યો કે છેલ્લા 13 મહિનાના શાસનમાં તમામ વિકાસકાર્યો પારદર્શક રીતે અને એકપણ રૂપિયાના ભ્રષ્ટાચાર વિના કરવામાં આવ્યા છે. આગળ પણ આ જ પારદર્શિતા અને કડકાઈ જાળવી રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
નગરપાલિકાના આ કડક વલણથી ગુણવત્તા મામલે કોઇપણ પ્રકારની બેદરકારી સામે ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ થઈ છે.
મયુર રાવલ હળવદ











