મોરબી: મોરબી મહાનગરપાલિકાની UCD શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક હેઠળ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ કાર્યરત છે. મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આ આશ્રયગૃહ ખાતે ગત તારીખ 06 મેના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન આશ્રિતો માટે ઈ-નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાંધકામ શ્રમિક વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને ઈ-નિર્માણ યોજનાના વિવિધ લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્થળ પર જ ઈ-નિર્માણ કાર્ડ કાઢવા માટેની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી હતી. આ કેમ્પનો કુલ 17 જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને વિભાગીય સૂચના અનુસાર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આશ્રયગૃહના ઘરવિહોણા આશ્રિતોને આસાનીથી મળી રહે તે માટે વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને અવારનવાર આવા યોજનાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે બાંધકામ શ્રમિક વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.









