મોરબી : મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ દિલુભાઈ જાડેજા દ્વારા આજે નવનિયુક્ત કલેક્ટર અને DDO ની રૂબરૂ મુલાકાત લઈને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરને મીઠા ઉદ્યોગમાં કલ્યાણકારી યોજનાઓની સત્વરે અમલવારી કરવા તેમજ મીઠાના અગરિયાઓ માટે શેલ્ટર હાઉસ, પીવાના પાણીની વ્યવસ્થા અને રોડ-રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સોલ્ટ વિસ્તારમાં મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા અગરિયાઓ અને તેમના પરિવારોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને DDO સમક્ષ પણ વિશેષ રજૂઆત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે 5 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીની સુવિધા, રોડ અને રસ્તા, અગરિયાઓ માટે પીવાનું શુદ્ધ પાણી, શેલ્ટર સેન્ટર અને શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. મીઠા ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોના જીવનધોરણને સુધારવા માટે આ તમામ સુવિધાઓ પૂરી પાડવી અત્યંત આવશ્યક હોવાનું જણાવાયું હતું.












