રોજગાર વાંચ્છુક ઉમેદવારો રોજગારીની તકો પુરી પાડવા રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આયોજન
મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા રોજગાર વાંચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય અને નોકરી દાતાઓને તેમની માંગ મુજબનું માનવ બળ મળી રહે તે હેતુસર મેગા જોબફેર અને એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા આ રોજગાર મેળાનું આયોજન આવતીકાલે તારીખ 6/6/2026 શનિવારના રોજ સવારે 10 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રોજગાર ઈચ્છુક ઉમેદવારોને બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો આ મેગા જોબફેરમાં અધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના પ્રભારીમંત્રી અને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગના મંત્રી (રાજ્યકક્ષા) ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા) કાંતિલાલ અમૃતિયા હાજરી આપશે.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન ડુબરીયા, કચ્છ-ભુજના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે.











