“મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા” — આ પંક્તિ તો આપણે ઘણી વાર સાંભળી છે, પણ રાષ્ટ્રીય એકતા અને સાચી માનવતાનો અસલી સૂર ત્યારે રેલાય છે જ્યારે આપણે કહીએ કે, “મિલે ખૂન મેરા તુમ્હારા, તો ખૂન બને હમારા.” માનવધર્મના સર્વોચ્ચ આદેશો અનુસાર રક્તદાન, ચક્ષુદાન, ત્વચાદાન કે શરીરના અન્ય અંગોનું દાન કરવું એ માનવજાતની સર્વશ્રેષ્ઠ સેવા છે. કોઈ ભૂખ્યા માણસને અન્ન આપવાથી એની એકાદ ટંકની પેટની આગ બુઝાવી શકાય છે, જે ચોક્કસ પુણ્યનું કામ છે. પરંતુ, રક્તદાન કે અંગદાન કરવાથી તો કોઈ આખી જિંદગી મોત મુખમાંથી પાછી ફરે છે, તેને નવજીવન મળે છે. આ પુણ્યથી પણ ઉપર એક ‘મહાધર્મ’ છે.
કુદરતની કરામત પણ કેવી અદ્ભુત છે! એણે આપણા બધાના હાથ-પગ, ચહેરો અને બાહ્ય શરીર એકસરખાં બનાવ્યાં, પણ શરીરની અંદર વહેતું લોહી અલગ-અલગ ગ્રુપમાં વહેંચી દીધું. આ વૈજ્ઞાનિક સત્ય પાછળ કુદરતનો બહુ મોટો સંકેત છુપાયેલો છે કે માણસે આ પૃથ્વી પર ટકી રહેવા અને લોહી મેળવવા માટે પણ બીજા માણસ સાથે પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનો સંબંધ જાળવી રાખવો જ પડશે. યાદ રાખજો, લોહીનો સંબંધ ફક્ત એક માના બે દીકરાઓ વચ્ચે જ નથી હોતો, પણ આ દુનિયાના પ્રત્યેક માણસ વચ્ચે પરસ્પર ‘લોહીનો સંબંધ’ જોડાયેલો છે. ગમે તેવો પરમ શ્રદ્ધાળુ કે આસ્તિક વ્યક્તિ કેમ ન હોય,પણ જ્યારે હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલાતો હોય અને લોહીની જરૂર પડે, ત્યારે એ મંદિરના નહીં પણ બ્લડ બેંકના પગથિયાં ચઢે છે. મંદિરનું પવિત્ર વાતાવરણ મનને અસીમ શાંતિ આપી શકે છે, પણ નસોમાં દોડવા માટે લોહી તો માણસ પાસેથી જ મળી શકે છે. કદાચ આપણે પહેલાં ક્યારેય આ વાત પર એટલું ગંભીરતાથી ધ્યાન નહીં આપ્યું હોય કે આપણા લોહીના થોડાં ટીપાં પણ કોઈના બુઝાતા જતા ઘરના દીવાને નવું જીવન બક્ષી શકે છે. દુનિયાભરમાં દર બીજી સેકન્ડે કોઈ ને કોઈ માસૂમ, વડીલ કે યુવાન જિંદગી અને મોત સામે ઝઝૂમતા હોય છે, આવા સમયે તમારું લોહી કોઈના માટે દેવદૂત સાબિત થઈ શકે છે. આપણા સમાજમાં મોટાભાગના લોકો રક્તદાન એટલા માટે નથી કરતાં કારણ કે તેમણે પોતાના મનમાં અનેક ખોટી ધારણાઓ અને ભ્રમણાઓ બાંધી રાખી હોય છે. દરેક નાગરિકે જાણી લેવું જોઈએ કે રક્તદાન સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને સુરક્ષિત પ્રક્રિયા છે. હા, રક્તદાન પહેલાં અને પછી ડૉક્ટરો દ્વારા અપાતી સામાન્ય બાબતોનું ધ્યાન અચૂક રાખવાનું હોય છે. આપણે પોતે કે આપણા પ્રિયજનોમાંથી કોઈ પણ, ગમે ત્યારે કોઈ દુર્ઘટના કે બીમારીનો શિકાર બની શકીએ છીએ. આવામાં બની શકે કે આજે આપણા લોહીનાં ટીપાં કોઈ અજાણ્યાનો જીવ બચાવે અને કાલે કોઈ અજાણ્યાનું લોહી આપણા પરિવારની રક્ષા કરી જાય.માનવજીવનની આ જ તો સૌથી મોટી ખાસિયત છે. આપણા વિચારો જુદા હોઈ શકે, સ્વભાવ જુદો હોઈ શકે, જ્ઞાતિ, ધર્મ કે લોહીના ગ્રુપ પણ જુદાં હોઈ શકે, પણ આપણી સૌની જીવનલક્ષી સમસ્યાઓ અને વેદનાઓ એકસરખી જ હોય છે. માટે જ ઉત્તમ એ છે કે સંસારમાં સૌની સાથે નફરત છોડીને ભાઈચારાથી જીવીએ. જો આપણે એકબીજાના પૂરક બનીને જીવવાનું શીખી જઈશું, તો ઈશ્વરના ધરતી પર અવતર્યા વિના પણ આ દુનિયામાં જ ‘સ્વર્ગ’ની સ્થાપના થઈ જશે.
આ બધી વાતોનો કુલ સરવાળો અને અર્ક માત્ર એટલો જ છે કે, વિજ્ઞાન ભલે આપણા બ્લડગ્રુપ જુદાં પાડે, પણ માનવતા માટે આપણું ‘મનગ્રુપ’ હંમેશા એક હોવું જોઈએ. આપણા ધર્મ અને સંપ્રદાયો ભલે જુદાં-જુદાં હોય, પણ સજ્જનતા, કરુણા, માનવતા અને ઈમાનદારીના ગ્રુપ એક હોવા જોઈએ. જે દિવસે સમાજમાં આ સાચા માનવધર્મનો ફેલાવો વધશે, તે દિવસે ધરતી પર નફરત ફેલાવીને લોહી પીનારાઓ કરતાં, પ્રેમથી લોહી આપનારાઓની સંખ્યા વધી જશે. કોઈની અમૂલ્ય જિંદગી બચાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને ડૉક્ટર બનવાની જરૂર નથી, તમે માત્ર જાગૃત નાગરિક બનીને નિયમિત રક્તદાન કરીને પણ ઈશ્વરનું કામ કરી શકો છો. આવો, આજે જ સંકલ્પ કરીએ, રક્તદાન કરીએ અને આપણા મિત્રો તથા સંબંધીઓને પણ આ પવિત્ર કાર્ય માટે પ્રેરિત કરીએ. ખરા અર્થમાં કહું તો “લોહીમાં જ માનવતા છે”. રક્તદાન કરીને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવીએ અને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય માનવ જીવનને સાર્થક કરીએ.
જય હિંદ!











