સરકારી જમીન ન મળતા દાતા સુભાનભાઈ સંઘવાણીએ જમીન દાન કરી: કલેક્ટર અને DDO દ્વારા સન્માન કરાયું
મોરબી : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની ભોળીપાટ વાંઢ પ્રાથમિક શાળામાં 2 નવા રૂમો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, શાળાની આસપાસ કોઈ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે શાળાના આ નવા ઓરડાનું નિર્માણ કાર્ય અટકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી આગળ આવ્યા હતા અને તેમણે બાળકોના શિક્ષણના હિતમાં એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે મોજે માળિયાના સર્વે નં. 832/પૈકી 1/2 ની પોતાની માલિકીની કુલ જમીનમાંથી 1300 ચો.મી. જમીન શાળાનું નવું મકાન બનાવવા માટે સ્વેચ્છાએ દાનમાં આપી દીધી છે.
સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીની આ ઉમદા અને ઉદાર કામગીરીની વિશેષ નોંધ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ લેવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે આપેલા આ અનન્ય યોગદાન બદલ આજ રોજ તા. 15/06/2026 ના દિવસે મોરબી કલેક્ટર અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું છે.












