૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં રૂ.૨૪.૭૬ કરોડના ખર્ચે બાળકોના સ્વાસ્થ્ય સાથે શૈક્ષણિક ઉત્કર્ષ સુનિશ્ચિત કરતી સરકાર
સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓના બાલવાટીકા તથા ધોરણ ૧ થી ૮ ના બાળકોને નિયમિત ગરમ ભોજન અને પૌષ્ટિક અલ્પાહાર પીરસતી સરકારની કલ્યાણકારી યોજના
દેશના ભાવિ નાગરિકો એવા બાળકોનું સ્વાસ્થ્ય સુદ્રઢ બને અને શિક્ષણની સાથે તેમનું પોષણ સ્તર પણ જળવાઈ રહે તે માટે સરકારશ્રીની ‘પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના’ હેઠળ મોરબી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટીકા તેમજ ધોરણ ૧ થી ૮ ના પાત્રતા ધરાવતા લાખો બાળકોને મધ્યાહન દરમિયાન ગરમાગરમ, તાજું અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે. આટલું જ નહીં, બાળકોમાં પોષણની માત્રા વધારવાના આશય સાથે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત વિદ્યાર્થીઓને સવારના સમયે પૌષ્ટિક નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે.
મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબીજિલ્લાના પાંચેય તાલુકાઓના કુલ ૬૫,૪૧૩ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લઈને રૂ. ૨૪,૭૬,૫૭,૭૦૧ ની સહાય રકમ થકી પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવ્યો છે.
આ યોજનાની તાલુકાવાર પ્રગતિની વિગતો જોઈએ તો, મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૯,૪૨૦ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે, જેના માટે કુલ રૂ. ૭,૫૨,૩૦,૭૨૪/- ની માતબર સહાય રકમનો ખર્ચ કરાયો છે. જ્યારે વાંકાનેર તાલુકામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના ૧૬,૯૦૨ બાળકોને મધ્યાહન ભોજનનો લાભ પહોંચાડીને કુલ રૂ. ૬,૫૧,૭૯,૪૦૯/- ની સહાય ચૂકવવામાં આવી છે. હળવદ તાલુકાની વિવિધ શાળાઓના ૧૭,૬૪૨ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારથી લાભન્વિત કરવા માટે કુલ રૂ. ૫,૭૩,૦૬,૯૪૦/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. ટંકારા તાલુકાના ૫,૯૫૯ બાળકોને પીએમ પોષણ યોજના હેઠળ આવરી લઈ કુલ રૂ. ૨,૪૯,૭૫,૪૬૭/- ની સહાય રકમ ફાળવવામાં આવી છે. માળિયા તાલુકાના ૫,૪૯૦ લાભાર્થી બાળકોને પણ સાંકળી લઈને રૂ. ૨,૪૯,૬૫,૧૬૧/- ની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.
સરકારની કટિબદ્ધતા અને પારદર્શી અમલીકરણ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્રના સુચારુ સંકલનના પરિણામે ‘પીએમ પોષણ યોજના’ મોરબી જિલ્લાના છેવાડાના શ્રમિક અને ગરીબ પરિવારોના બાળકો માટે શારીરિક તેમજ બૌદ્ધિક વિકાસનું સાચું માધ્યમ સાબિત થઈ રહી છે.














