ઉંઝા ગામની પાવન ભૂમિ કેવલેશ્વર મહાદેવ ખાતે સમસ્ત રબારી સમાજ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રતિનિધિઓ તથા સમાજના શ્રેષ્ઠીજનોના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા હિરેનભાઈ પરબતભાઈ કરોતરાનું રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈ તથા વાળીનાથ ધામના મહંત શ્રી જયરામગીરીજી મહારાજના હસ્તે શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈ, ગુજરાત રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, રાષ્ટ્રીય OBC મોરચાના ઉપાધ્યક્ષ અને Shepherd India Internationalના નેશનલ કન્વીનર સાગરભાઈ રાયકા, પ્રદેશ ભાજપના મંત્રી ડૉ. સંજયભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ખેડા જિલ્લા ભાજપના પ્રભારી રમેશભાઈ દેસાઈ, ઊંઝાના ધારાસભ્ય કે.કે. પટેલ, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ગુજરાત સરકારના પૂર્વ મામલતદાર ઈશ્વરભાઈ એસ. દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ મહંત શ્રી જયરામગીરીજી મહારાજ (શિવધામ-વાળીનાથ અખાડા, તરભ) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સન્માન પ્રાપ્ત કર્યા બાદ હિરેનભાઈ કરોતરાએ સમસ્ત રબારી સમાજના આગેવાનો, વડીલો અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે સતત જનસેવા કરવાનું આશ્વાસન આપ્યું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











