ચોમાસાની ઋતુમાં ખુલ્લા કે અધૂરા ડાટેલા વાયરોથી જનહાનિની ભીતિ, તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા પુષ્પરાજસિંહ જાડેજાની માંગ
મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરીને એક પત્ર પાઠવીને મહારાણા પ્રતાપ સર્કલ અને તેની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ વીજ વાયર યોગ્ય રીતે જમીનમાં નાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી 2 વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી અને કડિયા બોર્ડિંગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. આ વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વધુમાં કડિયા બોર્ડિંગ વિસ્તારમાં અને વોરાબાગ પાસે આ વીજ વાયરો માત્ર અડધો ફૂટ જેટલા જ જમીનની અંદર છે. હવે જ્યારે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે આવી રીતે યોગ્ય રીતે કામગીરી કર્યા વગર છોડી દેવાયેલા વાયરોને કારણે જો કોઈ પણ પ્રકારની જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલ તંત્રની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણ નિયમ મુજબ વાયરોને જમીનમાં યોગ્ય ઊંડાઈએ નાખવાનું કામ શરૂ કરાવી આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.











