મોરબી: જેતપર પંથકના ખેડૂતોના પડતર પ્રશ્નો અને ન્યાયિક માંગણીઓને લઈને શરૂ થયેલું જેતપર ખેડૂત આંદોલન દિનપ્રતિદિન વધુ મજબૂત અને ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે શરૂ કરાયેલા આંદોલન અને ઉપવાસનો આજે 15મો દિવસ છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો મક્કમતાપૂર્વક ન્યાયની આશાએ ઉપવાસ પર બેઠા છે, છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ ન આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ લાંબાગાળાની લડતને વધુ વેગ આપવા અને ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓને સમર્થન જાહેર કરવા માટે હવે આસપાસના ગામો પણ મેદાને આવ્યા છે. જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં આવતીકાલે તારીખ 03/07/2026, શુક્રવારના રોજ 6 ગામોની સંયુક્ત બાઈક તથા કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશાળ રેલીમાં જૂના ઘાટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારીયા, વેણાસર અને રોહીશાળા એમ કુલ 6 ગામના ખેડૂતો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે. ‘ખેડૂત એકતા ઝિંદાબાદ’ અને ‘જય જવાન જય કિસાન’ ના નારા સાથે ખેડૂતો સરકાર સામે પોતાનો અવાજ બુલંદ કરશે.
રેલીના પ્રસ્થાનનો સમય અને રૂટ નીચે મુજબ રહેશે:
- જૂના ઘાટીલા: સવારે 08:30 કલાકે
વેજલપર: સવારે 08:45 કલાકે
ખાખરેચી: સવારે 09:00 કલાકે
અણીયારી ચોકડી: સવારે 09:30 કલાકે
તમામ ખેડૂત ભાઈઓ, યુવાનો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં વાહનો સાથે આ રેલીમાં જોડાઈને જેતપર ખેડૂત આંદોલનને મજબૂત સમર્થન આપવા માટે આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.











