મોરબી: જેતપર પંથકના ખેડૂતોના વીજ પોલ વળતર આંદોલન મુદ્દે શરૂ થયેલી લડત હવે વ્યાપક બની રહી છે. જેતપર ઉપવાસ છાવણી ખાતે ખેડૂતોના ઉપવાસનો આજે 15મો દિવસ છે, ત્યારે આ જનઆંદોલનમાં હવે સામાજિક સંગઠનો અને સોસાયટીઓ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવી છે.
વીજ પોલ વળતર આંદોલન મુદ્દે અન્નદાતાના સમર્થનમાં આવતીકાલે સાંજે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અવની ચોકડી સોસાયટી ગ્રુપ દ્વારા આ ‘સ્વયંભૂ કાર રેલી’ યોજાશે, જેમાં “ચાલો… ખેડૂતો માટે એક થઈએ!” ના નારા સાથે લોકો જોડાશે.
આ રેલી આવતીકાલે તારીખ 03/07/2026 ને શુક્રવારના રોજ સાંજે 7:30 કલાકે પ્રમુખ બંગલોની બાજુના ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરીને જેતપર ઉપવાસ છાવણી ખાતે પહોંચશે. આયોજકો દ્વારા તમામ નાગરિકોને પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અન્નદાતાના સમર્થનમાં એકતા દર્શાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











