મોરબી : જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેને ગામે-ગામથી સમર્થન મળ્યું છે. તેવામાં સરકારે આજે સાંજે વીજલાઈન વળતરમાં વધારા સહિતનો નિર્ણય જાહેર કર્યો છે. બીજી તરફ ખેડૂત સમિતિએ આ મામલે અભ્યાસ શરુ કર્યો છે અને ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ખેડૂત સમિતિના આગેવાનોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે તેનો અભ્યાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ પૂર્ણ થયા બાદ ખેડૂત સમિતિ પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યાં સુધી ઉપવાસ છાવણી રાબેતા મુજબ ચાલશે. નિર્ધારિત કાર્યક્રમો પણ ચાલુ જ રહેશે.
ઉલ્લેખનીય છે કે આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 16મો દિવસ છે. સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે તે મંજુર છે કે નહીં તે અંગે ખેડૂત આગેવાનો આગામી સમયમાં જાહેરાત કરવાના છે. હાલ ખેડૂત સમિતિ દ્વારા આ બાબતના નિષ્ણાંતો સાથે વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.











