મોરબી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાના અભિયાન અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વધુ એક સફળ કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝનની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી-ધરમપુર રોડ પર સુરાપુરા દાદાના મંદિર નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા અલારખાભાઈ કાસમભાઈ કાણા (રહે. વનાળીયા, તા. જી. મોરબી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, અંદાજિત રૂ. 70 હજારની કિંમતનું, કબજે કર્યું છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા, એએસઆઈ ફિરોઝભાઈ સુમરા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.










