(હરનિશ જોષી,મોરબી)મોરબીના શિવશક્તિ ભવન ખાતે ગઈકાલે તારીખ ૧૭ જુલાઈના રોજ બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા યોગ શિક્ષકો માટે એક વિશેષ ‘હોલિસ્ટિક વેલનેસ યોગા ટ્રેનર સર્ટિફિકેટ કોર્સ’ (Holistic Wellness Yoga Trainer Certificate Course) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ૭૫ મિનિટના સઘન તાલીમ કોર્સમાં મોરબી જિલ્લાના આશરે ૬૫ જેટલા ઉત્સાહી યોગ ટ્રેનર્સે ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવ્યા હતા.હળવદસમાચાર
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર વાલજીભાઈ ડાભી અને મોરબી જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર દેવાંશ્રીબેન પરમારની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ યોગ અને આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા સમાજને સ્વસ્થ બનાવવાની આ પહેલને ખૂબ બિરદાવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્માકુમારી પ્રશાંતિબેન, બી.કે. સ્વીટીબેન, બી.કે. જીજ્ઞાશાબેન, બી.કે. ડૉ. જીગીષાબેન અને બી.કે. બંસીબેને ઉપસ્થિત યોગ ટ્રેનર્સને શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક અને આધ્યાત્મિક સુખાકારી (Holistic Wellness) કેવી રીતે પ્રાપ્ત કરવી તેની ઊંડી સમજ આપી હતી. ટ્રેનર્સને રાજયોગ મેડિટેશન અને સકારાત્મક જીવનશૈલીના પ્રેક્ટિકલ પાઠ પણ શીખવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં તમામ સહભાગીઓને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાયા હતા.











