રોપા લેવા માટે સવારથી જ પ્રકૃતિ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી : માત્ર એક કલાકમાં 1500 રોપાનું વિતરણ
મોરબી : પર્યાવરણનું જતન કરવા અને મોરબીને વધુ હરિયાળું બનાવવાના ઉમદા હેતુથી મોરબી શહેરમાં ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મયુર નેચર ક્લબ – મોરબી અને વન વિભાગ – મોરબી અને મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ચોમાસાની ઋતુમાં એકાદ બે વરસાદ બાદ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન થતું હોય છે.
શહેરના સંદેશ ઓફિસની નીચે રામ ચોક ખાતે આયોજિત આ ફ્રી રોપા વિતરણ કેન્દ્ર પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પર્યાવરણ પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ઉમટી પડીને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા પોતાના ઘર કે આસપાસ વાવવા માટે મેળવ્યા હતા. નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના આ પ્રયાસમાં નાના બાળકોથી લઈને મહિલાઓ અને વડીલોએ પણ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને ઘરઆંગણે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી અને ખાટી આંબલી સહિતના જુદા-જુદા 1500 રોપાઓનું વિતરણ માત્ર એક કલાકમાં થયું હતું.
લોકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ દ્વારા આ નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના નાગરિકોએ આ પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો અને મોટી સંખ્યામાં રોપા મેળવીને પ્રકૃતિ પ્રેમના દર્શન કરાવ્યા હતા. રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુર નેચર ક્લબના પ્રમુખ એમ.જે.મારુતિ, વન વિભાગના અનિલ એરવાડીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.












