મોરબી:નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી. ગ્રૂપની વિવિધ શાખાઓ જેવી કે નવયુગ વિદ્યાલય, નવયુગ સંકૂલ (વિરપર) તથા નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ ખાતે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી:નવયુગ વિદ્યાલય મોરબી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ RSSના જિલ્લા શારીરિક શિક્ષક પ્રમુખ ડૉ. વિવેકભાઈ સંઘણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને સ્વતંત્રતાના મૂલ્યો અને રાષ્ટ્રપ્રથમની ભાવના વિશે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત NCC બોયઝ બટાલિયન દ્વારા શાનદાર પરેડ, વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ વક્તવ્ય, તિરંગા યાત્રા, દેશભક્તિ ક્વિઝ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન થયું હતું.
• નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ:
નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ ખાતે RSSના મોરબી નગર બૌદ્ધિક પ્રમુખ શ્રી પ્રેમલભાઈ ફિચડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે ભૂલકાંઓને ભારત દેશની શૌર્યગાથા અને મહાન દેશભક્તોની વાતો કહી રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન કર્યું હતું.
• નવયુગ સંકૂલ, વિરપર:
નવયુગ સંકૂલ વિરપર મુકામે સીમા જાગરણ મંચના પ્રાંત સહ-સંયોજક શ્રી હિરેનભાઈ વિડ્જાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તેમણે પોતાના વક્તવ્યમાં ભારત દેશની સીમાઓ અને સીમા સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે કે.જી. થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક ડાન્સ, દેશભક્તિ સ્પીચ, વેશભૂષા, નાટક અને NCC પરેડની અદ્ભુત રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા સાહેબની પ્રેરણા હેઠળ તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઇ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
















