‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ કુલ રૂ.11.27 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપાયો ; CEIR અને નેત્રમની મદદથી પોલીસને મળી સફળતા
મોરબી ડેઈલી: મોરબી સિટી A ડિવિઝન પોલીસે ખોવાયેલો મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત કરવાની કામગીરી અંતર્ગત વધુ એક નોંધપાત્ર કામગીરી કરી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ પોલીસે અરજદારોના ખોવાયેલા 36 મોબાઈલ ફોન તેમજ CNG રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂ.96,000ની રોકડ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપી છે. પોલીસે કુલ રૂ.11,27,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ સિટી A ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર વાય.બી. જાડેજા અને PSI જે.સી. ગોહિલના સુપરવિઝનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અરજદારો દ્વારા મોબાઈલ ફોન ખોવાઈ જવા અંગે કરવામાં આવેલી અરજીઓના આધારે A ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ ધરમશીભાઈ પટેલે CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર જરૂરી એન્ટ્રી કરી ટેકનિકલ વર્કઆઉટ અને સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું.
આ ટેકનિકલ તપાસના આધારે પોલીસે અલગ-અલગ સ્થળેથી રૂ.10.31 લાખની કિંમતના 36 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. મોબાઈલ ફોન મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી બાદ તેને મૂળ માલિકોને પરત સોંપ્યા હતા.
ઉપરાંત એક અરજદાર CNG રિક્ષામાં મુસાફરી દરમિયાન રૂ.96,000ની રોકડ રકમ ભૂલી ગયા હતા. આ અંગેની અરજી મળ્યા બાદ પોલીસે નેત્રમ CCTV કેમેરા પ્રોજેક્ટની મદદથી તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે રિક્ષાની હિલચાલ અને સંબંધિત વિગતો મેળવી પોલીસે રોકડ રકમ શોધી કાઢી હતી અને અરજદારને પરત સોંપી હતી.
આમ, સિટી A ડિવિઝન પોલીસે 36 મોબાઈલ સહિત કુલ રૂ.11.27 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, PSI જે.સી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ પટેલ જોડાયા હતા.











